ઇકોનોમિક્સ ટાઇમ્સના એક રિપોર્ટ અનુસાર, અનિલ અંબાણી મુંબઇના સાંતાક્રુઝમાં સ્થિત હેડક્વાર્ટર રિલાયન્સ સેન્ટરને વેચીને અથવા ફરી લોંગ ટર્મ લીઝ પર આપીને દેવું ચુકવવા માંગે છે. રિલાયન્સ સેન્ટરના નામનું આ હેડક્વાર્ટર સાત લાખ સ્ક્વેયર ફૂટમાં છે અને તેને વેચીને 1500-2000 કરોડ રૂપિયા મળી શકે છે.
રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે હેડક્વાર્ટરને વેચવા માટે રિલાયન્સ ગ્રુપ ઇન્ટરનેશનલ પ્રોપર્ટી કંસલ્ટન્સી જેએલએલને જવાબદારી સોંપી શકે છે. આ મામલાને રિલાયન્સ ગ્રુપના પ્રવક્તાએ સમર્થન આપ્યું છે અને કહ્યું છે કે ગ્રુપ દ્ધારા મુંબઇના હેડક્વાર્ટર સહિત રિયલ એસ્ટેટ એસેટ્સને વેચવા પર વિચાર કરવામાં આવી રહ્યો છે. નોંધનીય છે કે રિલાયન્સ ગ્રુપના હેડક્વાર્ટરના માલિક રિલાયન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે.