મુંબઈઃ દેવાના ડુંગર તળે દબાયેલા રિલાયન્સ ગ્રુપના ચેરમેન અનિલ અંબાણીએ રિલાયન્સ કમ્યુનિકેશંસ (આરકોમ)ના ડાયરેક્ટર પદેથી રાજીનામું આપી દીધું છે. અનિલ ઉપરાંત આરકૉમના 4 મોટા અધિકારીઓએ પણ રાજીનામા આપ્યા છે.


રિપોર્ટ મુજબ અનિલ અંબાણી ઉપરાંત છાયા વિરાની, રાયના કારાની, મંજરી કાકેર અને સુરેશ રંગાચરે પણ રાજીનામા આપ્યા છે. જેમાંથી અનિલ અંબાણી, છાયા વિરાની અને મંજરી કાકેરે 15 નવેમ્બરે અને રાયના કારાનીએ 14 નવેમ્બર તથા સુરેશ રંગાચરે 13 નવેમ્બરે પદ છોડ્યા હતા.


શુક્રવારે રિલાયન્સ કમ્યુનિકેશન્સના બીજા ત્રિમાસિકના પરિણામો જાહેર થયા હતા. ન્યૂઝ એજન્સી પીટીઆઈના અહેવાલ મુજબ, જુલાઈ-સપ્ટેમ્બર ત્રિમાસિકમાં કંપનીને 30.142 કરોડ રૂપિયાની ખોટ થઈ હતી. ગત વર્ષે કંપનીએ આ સમયગાળા દરમિયાન 1,141 કરોડનો ચોખ્ખો નફો કર્યો હતો. આ ત્રિમાસિક દરમિયાન કંપનીની આવક ઘટીને 302 કરોડ રૂપિયા થઈ છે, જે ગત વર્ષે સમાનગાળામાં 977 કરોડ રૂપિયા હતી.

થોડા દિવસો પહેલા જ ચીનની ઈન્ડસ્ટ્રિયલ એન્ડ કમર્શિયલ બેંક ઓફ ચાઈના લિમિટેડ, ચાઈના ડેવલપમેન્ટ બેંક અને એક્સપોર્ટ-ઇમ્પોર્ટ બેંક ઓફ ચાઇનાને આરકોમના માલિક અંબાણી પર 47,600 કરોડ રૂપિયા નહીં ચુકવવાને લઈ લંડનની કોર્ટમાં કેસ દાખલ કર્યો છે.