નવી દિલ્હીઃ ભારતમાં ડિજિટલ પેમેન્ટને પ્રોત્સાહન આપવા માટે બારત સરકાર અને આરબીઆઈ દ્વારા અનેક ફેરફાર સમયે સમયે કરવામાં આવ્યા છે. આરબીઆઈએ આ વખતે ફરી બેંક ગ્રાહકોને ખુશખબર આપ્યા છે. આરબીઆઈએ હવે એનઈએફટીથી રૂપિયા ટ્રાન્સફર કરવા પર ચાર્જ ખત્મ કરવા જઈ રહ્યું છે. આરબીઆઈએ તેના માટે નોટીફિકેશન પણ જાહેર કર્યું છે. વર્ષ 2020થી ફ્રી એનઈએફટીનો લાભ તમામ બેંક ગ્રાહકોને મળવા લાગશે.

એટલે કે હવેથી બચત ખાતાધારકોએ નવા વર્ષમાં NEFT ટ્રાન્ઝેક્શન પર કોઈપણ ચાર્જ આપવો નહીં પડે. અગાઉ આરબીઆઇએ જૂનમાં મૌદ્રિક નીતિની સમીક્ષા સમયે જ ચાર્જીસ હટાવવાનો નિર્ણય લીધો હતો પરંતુ તેને ફરજિયાત પણે લાગુ કરવાની તારીખ નક્કી કરવામાં નથી આવી.



જો કે એસબીઆઇએ 1 જુલાઇથી ઓનલાઇન NEFT સર્વિસથી લાગતા ચાર્જિસ હટાવી દીધા હતા. જણાવી દઇએ કે ઓનલાઇન રૂપિયા ટ્રાન્જેક્શન માટે NEFTનો ઉપયોગ કરવામાં આવે છે. આ સર્વિસ અંતર્ગત બેન્ક બ્રાન્ચ અથવા ઇન્ટરનેટ અને મોબાઇલ બેન્કિંગ દ્વારા રૂપિયાનું ટ્રાન્જેક્શન કરી શકાય છે.

આરબીઆઇએ NEFT દ્વારા 24 કલાક ટ્રાન્જેક્શનની પરવાનગી આપવાનો નિર્ણય લીધો હતો. આ ફેરફાર આ વર્ષે ડિસેમ્બરમાં લાગુ થશે. વર્તમાનમાં NEFT બીજા અને ચોથા શનિવાર સિવાય ગ્રાહકો માટે સવારે 8 વાગ્યાથી સાંજે 7 વાગ્યા સુધી ઉપલબ્ધ છે.