સૌરાષ્ટ્રની ઓળખ ‘છકડો’ હવે જોવા નહીં મળે, કંપનીએ બંધ કર્યું પ્રોડક્શન, જાણો કેમ
abpasmita.in | 01 May 2019 07:35 AM (IST)
50 વર્ષે છકડો નિવૃત્ત થશે. વર્ષ 1970થી ગ્રામ્ય વિસ્તારમાં છકડાના કારણે પરિવહન શક્ય બન્યું હતું. પરંતુ હાલના પ્રદૂષણ અને સલામતીના નવા નિયમોને કારણે છકડો રિક્ષા પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે.
અમદાવાદઃ સૌરાષ્ટ્રનો ઉલ્લેખ કરતાં જ મનમાં ખાણી-પીણી, ગીર અને વનરાજાનો વિચાર આવે પરંતુ આ બધાની સાથે સૌરાષ્ટ્ર-કચ્છની ખાસ ઓળખ એવા છકડો રીક્ષાના ઉલ્લેખ વગર સૌરાષ્ટ્રની ખાસિયતો વર્ણવી ન શકાય. પરંતુ સૌરાષ્ટ્રની શાન ગણાતા આ છકડો રીક્ષા હવે કદાચ રસ્તા પર જોવા નહીં મળે, કારણ છે કે અતુલ કંપની છકડો રીક્ષાનું ઉત્પાદન બંધ કરી રહી છે. 50 વર્ષે છકડો નિવૃત્ત થશે. વર્ષ 1970થી ગ્રામ્ય વિસ્તારમાં છકડાના કારણે પરિવહન શક્ય બન્યું હતું. પરંતુ હાલના પ્રદૂષણ અને સલામતીના નવા નિયમોને કારણે છકડો રિક્ષા પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. જેને પરિણામે અતુલ ઓટો કંપની છકડો રિક્ષાનું ઉત્પાદન બંધ કરશે. મહત્વનું છે કે, અતુલ કંપની દ્વારા વર્ષ 1970માં પ્રથમ છકડો બનાવ્યો હતો. છકડાની ઓછી કિંમત અને માલ સામાન તેમજ લોકોની મુસાફરી માટે સરળ સુવિધાને કારણે સૌરાષ્ટ્રના ગ્રામ્ય વિસ્તારમાં છકડાનું વેચાણ દિવસેને દિવસે વધતુ ગયું હતું અને એક સમયે છકડો સૌરાષ્ટ્રના ગ્રમ્યવિસ્તારની ઓળખ પણ બની ગયો હતો. જેને પરિણામે બોલિવુડના શહેનશાહ અમિતાભ બચ્ચન પણ રાજ્યસરકારની જાહેરાતમાં છકડાની સવારી કરતાં જોવા મળ્યાં હતાં. એટલુ જ નહીં, અનેક ગુજરાતી ફિલ્મોમીમાં અભિનેતાઓ છકડાની મુસાફરી કરતાં જોવા મળ્યા છે. પરંત હવે આ જ છકડા પર પ્રતિબંધ લાદતાં હવે સૌરાષ્ટ્રના રસ્તા પર છકડો જોવા નહીં મળે.