નવી દિલ્હીઃ દેશની સૌથી મોટી સાર્વજનિક ક્ષેત્રની બેંક સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાં 1 મેથી નવા નિયમો લાગુ થવા જઈ રહ્યા છે. એસબીઆઈએ દેશનું પ્રથમ એવી બેંક છે જેણે પોતાની લોન અને ડિપોઝિટ ઇન્ટરેસ્ટને સીધા જ ભારતીય રિઝર્વ બેંકના રેપો રેટ સાથે જોડ્યા છે. આ નવો નિયમ લાગુ થયા બાદ એક બીજા રિટેલ લોન સસ્તી થશે, તો બચત ખાતા પર મળતા વ્યાજમાં ઘટાડો થશે.



અત્યાર સુધી બેંક માર્જિનલ કોસ્ટ ઓફ ફંડ બેસ લેન્ડીંગ રેટ (MCLR)ના આધાર પર લોનનો વ્યાજદર નક્કી કરતી હતી. તેમાં ઘણી વખત એવું બનતું કે, રેપો રેટમાં ઘટાડો થવા છતાં બેંક MCLRમાં કોઈ રાહત નહોતી આપતી. જેનાથી સામાન્ય નાગરિકોને કોઈ ફાયદો મળતો ન હતો. પરંતુ હવે નવા નિયમથી ગ્રાહકને સીધો ફાયદો પહોંચવાનો છે.

ભારતીય સ્ટેટ બેંક 1લી મેથી વ્યાજદરને રેપો રેટ સાથે જોડવા જઈ રહી છે, એટલે કે RBI જ્યારે પણ રેપો રેટમાં ફેરફાર કરશે તો તેની અસર ખાતા ધારક પર પડશે. 1લી મેથી SBIમાંથી 30 લાખ રૂપિયા સુધીની લોન પર 0.10 ટકા ઓછું વ્યાજ આપવું પડશે. હાલમાં 30 રૂપિયા સુધીની લોનનો વ્યાજદર 8.60થી 8.90 ટકા વચ્ચે છે. SBIએ પોતાની MCLRને પણ 0.05 ટકા ઓછી કરી નાખી છે.



લોન તો સસ્તી મળશે, પરંતુ SBIના બચત ખાતામાં ગ્રાહકોને ઓછું વ્યાજ મળશે. એટલે કે ગ્રાહકોને ઝટકો લાગવાનો છે. નિયમ મુજબ, 1લી મેથી એક લાખ રૂપિયાની ડિપોઝિટ પર પહેલાથી ઓછું વ્યાજ મળશે. નવા નિયમથી 1 લાખ રૂપિયા સુધીની ડિપોઝિટ પર બચત ખાતામાં હવે 3.50 ટકા વ્યાજ મળશે. જ્યારે 1 લાખ રૂપિયાથી વધારે ડિપોઝિટ પર વ્યાજ 3.25 ટકા રહેશે.