નવી દિલ્હીઃ બજાજના ટુ વ્હીલર વાહનનો જ્યારે પણ ઉલ્લેખ થાય ત્યારે ચેતક સ્કૂટરની ચર્ચા જરૂર થાય છે. પરંતુ છેલ્લા 14 વર્ષથી બજાજનું સ્કૂટર ગાયબ હતું, હવે તેણે ઇલેક્ટ્રિક અવતારમાં વાપસી કરી છે. Urbanite બ્રાંડ સાથે બજાજે ઈલેક્ટ્રિક ટૂ વ્હીલર સેગમેન્ટમાં એન્ટ્રી કરી છે. બજાજે ચેતકના ઈલેક્ટ્રિક વર્ઝનને લોન્ચ કર્યું ત્યારે કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી અને નીતિ આયોગના સીઈઓ અમિતાભ કાંત પણ હાજર હતા. ભારતીય માર્કેટમાં બજાજના ઈલેક્ટ્રિક સ્કૂટર ચેતકનો મુકાબલો Ather 450 અને Okinawa Praise સાથે થવાની આશા છે.




બજાજનું ચેતક ઈલેક્ટ્રિક સ્કૂટર ઇકો અને સ્પોર્ટ મોડ એમ બે વેરિયન્ટમાં મળશે. ઇકો મોડમાં 95 કિલોમીટર અને સ્પોર્ટ મોડમાં 85 કિલોમીટરની રેન્જ મળશે. સ્કૂટર 6 કલર ઓપ્શનમાં મળશે. ઈ સ્કૂટરની એક શો રૂમ કિંમત એક લાખ રૂપિયા આસપાસ હોઇ શકે છે. આ સ્કૂટર બજારમાં સત્તાવાર રીતે જાન્યુઆરી 2020માં લોન્ચ થશે.



ફીચર્સની વાત કરવામાં આવે તો સેફટી માટે ઈન્ટીગ્રેટેડ બ્રેકિંગ સિસ્ટમ મળશે. તેમાં મોટી ડિજિટલ ઈન્સ્ટ્રૂમેન્ટ પેનલ હશે,.જ્યારે સ્માર્ટફોન અને ટર્ન બાય ટર્ન નેવિગેશન માટે આ પેનલ બ્લૂટૂથ કનેક્ટિવિટીથી સપોર્ટ કરશે. આ ઉપરાંત ફ્રન્ટ અને રિયર ડિસ્ક બ્રેક મળી શકે છે. આ ઉપરાંત એલઈડી હેડલેમ્પ્સ તથા ટેલ લાઇટ, ટેલિસ્કોપિક ફ્રંટ ફોક્સ અને મોનેશોક, સ્ટેપ્ટ સીટ્સ મળવાની શક્યતા છે. બજાજ ઓટોએ ચેતકનું પ્રોડક્શન 2006માં બંધ કરી દીધું હતું. ચેતક સ્કૂટરને વર્ષ 1972માં પ્રથમ વખત લોન્ચ કરવામાં આવ્યું હતું.



બજાજ ઓટોના એમડી રાકેશ શર્માએ કહ્યું કે, સ્કૂટરનું વેચાણ જાન્યુઆરીથી થશે. શરૂઆતમાં પુણે અને બેંગ્લોરમાં લોન્ચ કરાશે. જે બાદ અન્ય શહેરોમાં વેચાણ શરૂ કરાશે. નાણા મંત્રાલય દ્વારા આપવામાં આવેલી ટેકસ છૂટ અમારા માટે પ્રોત્સાહજનક છે. બજાજ ઓટોના એમડી રાજીવ બજાજના કહેવા મુજબ, આપણા દેશ સિવાય ઇલેક્ટ્રિક વ્હીકલ્સને અન્ય દેશોમાં રોજ લોન્ચ કરવામાં આવે છે. હજુ ઈવીએસમાં ઘણું કરવાનું બાકી છે. કેટલીક કંપનીઓ મોબાઇલ બિઝનેસમાં ઇલેક્ટ્રિક બાઇક બનાવવાના બિઝનેસમાં ડાયવર્ટ થઈ છે.