આમ આદમી માટે રાહતના સમાચાર, બે દિવસની બેંક હડતાળ કરાઇ રદ
abpasmita.in | 23 Sep 2019 10:26 PM (IST)
બેન્ક યુનિયનોએ કહ્યું કે સરકાર તેમની માંગને ગંભીરતાથી લીધી છે. અને તેના પર વિચાર કરવાનું આશ્વાસન આપ્યું છે.
નવી દિલ્હીઃ બેન્ક ટ્રેડ યુનિયનોની પ્રસ્તાવિત 26 અને 27 સપ્ટેમ્બરની હડતાળ ટાળી દેવામાં આવી છે. બેન્ક યુનિયનોએ 10 બેન્કોના વિલયના વિરોધમાં હડતાળ પર જવાની જાહેરાત કરી હતી. આ હડતાળ યુનિયન લીડર્સ અને નાણા સચિવ રાજીવ કુમાર વચ્ચે થયેલી બેઠક બાદ ટાળી દેવામાં આવી છે. બેન્ક યુનિયનોએ કહ્યું કે સરકાર તેમની માંગને ગંભીરતાથી લીધી છે. અને તેના પર વિચાર કરવાનું આશ્વાસન આપ્યું છે. વાસ્તવમાં બેન્ક ઓફિસર્સની ચાર યુનિયનોએ 26 સપ્ટેમ્બરથી બે દિવસની હડતાળની જાહેરાત કરી હતી. યુનિયનોની હડતાળમાં બેન્કોના વિલયનો વિરોધની સાથે સાથે 11મું પગારપંચ લાગુ કરવાની માંગણી છે. બેન્કિંગ સેક્ટરના ચાર ટ્રેડ યુનિયન સંગઠનોએ 25 સપ્ટેમ્બરની અડધી રાતથી 27 સપ્ટેમ્બરની અડધી રાત સુધી હડતાળ જાહેર કરી હતી. જેમાં ઓલ ઇન્ડિયા બેન્ક ઓફિસર્સ કન્ફેડરેશન, ઓલ ઇન્ડિયા બેન્ક ઓફિસર્સ અસોસિયેશન, ઇન્ડિયન્સ નેશનલ બેન્ક ઓફિસર્સ કોગ્રેસ અને નેશનલ ઓર્ગેનાઇઝેશન બેન્ક ઓફિસર્સ સામેલ હતા. નોંધનીય છે કે છેલ્લા મહિને નાણામંત્રી નિર્મલા સીતારમણે બેન્કોના વિલયની જાહેરાત કરી હતી. તેમણે કહ્યુ હતું કે, સરકારી ક્ષેત્રની 10 બેન્કોનું વિલય કરીને ચાર બેન્ક બનાવવામાં આવશે.