નવી દિલ્હીઃ ચૂંટણી કમિશનર અશોક લવાસાની પત્નીને ઇન્કમટેક્સ વિભાગે નોટિસ જાહેર કરી છે. આ નોટિસ અનેક કંપનીઓના સ્વતંત્ર નિર્દેશકના રૂપમાં તેમની આવક મામલે મોકલવામાં આવી છે. સૂત્રોના મતે 2005માં સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયામાંથી રાજીનામું આપ્યા બાદ પૂર્વ બેન્કર નોવેલ લવાસા અનેક કંપનીઓમાં નિર્દેશક બની હતી. નોવેલ તે સમયે કંપનીઓના નિર્દેશક બની જ્યારે તેમના પતિ ભારત સરકારમાં સચિવના પદ પર હતા.
રિપોર્ટ અનુસાર, ઇન્કમટેક્સ વિભાગે છેલ્લા સપ્તાહમાં નોવેલ લવાસાને આ મામલે પૂછપરછ કરી હતી. જ્યારે અશોક લવાસા પર્યાવરણ સચિવના રૂપમાં કામ કરી રહ્યા હતા ત્યારે નોવેલ લવાસા વેલસ્પન ગ્રુપ સહિત 10 કંપનીઓમાં ડાયરેક્ટર હતી. આ 10 કંપનીમાં 6 વેલસ્પન ગ્રુપ ઓફ કંપનીઝ, 2 ટાટા ગ્રુપ ઓફ કંપનીઝ, 1 બલરામપુર ચીની મિલ્સ અને એક ઓમેક્સ ઓટોઝ સામેલ હતી. આવકવેરા વિભાગે નોવેલ લવાસાને આ કંપનીઓમાં ડિરેક્ટર રહેતા થયેલી આવકને લઇને પૂછપરછ કરી હતી. આવકવેરા વિભાગમાં ગરબડની જાણ થતા આવકવેરા વિભાગે છેલ્લા અનેક મહિનાથી મામલાની તપાસ કરી રહ્યુ હતું. વિભાગે હવે નોટિસ મોકલીને સ્પષ્ટતા માંગી છે.
આ અગાઉ અશોક લવાસા લોકસભા ચૂંટણી દરમિયાન ચર્ચામાં આવ્યા હતા. ત્યારે લવાસાએ આચાર સંહિતના કથિત ભંગ મામલામાં વડાપ્રધાન મોદી અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ વિરુદ્ધ 11 ફરિયાદોમાં ચૂંટણી પંચની ક્લિન ચિટ આપવાના નિર્ણય પર અસહમતિ વ્યક્ત કરી હતી. તેમણે મોદી અને અમિત શાહને ક્લિન ચિટ આપવાનો વિરોધ કર્યો હતો.