Retail  Inflation : મોંઘવારી મોરચે કેટલાક રાહતના સમાચાર છે. મે 2022માં છૂટક મોંઘવારી ઘટી છે. છૂટક મોંઘવારી દર મે મહિનામાં 7.04 ટકા રહ્યો. એપ્રિલમાં છૂટક મોંઘવારી દર  7.79 ટકા હતો,  જે બાદ સરકારથી લઈને આરબીઆઈની ચિંતા વધી ગઈ હતી. તે જ સમયે, ખાદ્ય મોંઘવારીનો દર એપ્રિલમાં 8.38 ટકાની સરખામણીએ મે મહિનામાં 7.97 ટકા રહ્યો છે. 


જોકે, એપ્રિલ મહિનાની સરખામણીએ શહેરી વિસ્તારોમાં ખાદ્ય પદાર્થોની મોંઘવારીમાં વધારો થયો છે. શહેરી વિસ્તારોમાં ખાદ્ય પદાર્થોની મોંઘવારીનો દર એપ્રિલમાં 8.09 ટકા હતો, જે મે મહિનામાં વધીને 8.20 ટકા થયો છે. જો કે શાકભાજીના વધતા ભાવ હજુ પણ ચિંતાનો વિષય છે. મે મહિનામાં શાકભાજીનો મોંઘવારી દર 18.26 ટકા રહ્યો હતો.






એક્સાઈઝ ડ્યુટીમાં ઘટાડાથી મોંઘવારી ઘટી?
કેન્દ્ર સરકારે 21મી મેના રોજ પેટ્રોલ અને ડીઝલ પરની એક્સાઈઝ ડ્યુટીમાં રૂ.8 અને રૂ.6 પ્રતિ લીટરનો ઘટાડો કરવાનો નિર્ણય લીધો હતો. જે બાદ 6 રાજ્યોએ પણ વેટ ઘટાડ્યો. જેના કારણે એવું માનવામાં આવે છે કે માલસામાનની કિંમતમાં ઘટાડો થવાને કારણે મોંઘવારી ઘટી છે. જોકે, રશિયા-યુક્રેન યુદ્ધના કારણે ક્રૂડ ઓઈલના ભાવમાં વધારો યથાવત છે. ક્રૂડ ઓઈલ હજુ પણ પ્રતિ બેરલ 120 ડોલરની ઉપર છે. સરકારી ઓઈલ કંપનીઓ હાલમાં ભારે ખોટમાં પેટ્રોલ અને ડીઝલનું વેચાણ કરી રહી છે.


આરબીઆઈના અંદાજ કરતાં મોંઘવારી વધુ
જો કે, છૂટક મોંઘવારી દરનો  આંકડો હજુ પણ આરબીઆઈના 6 ટકાની ઉપલી મર્યાદા કરતાં વધુ છે. આરબીઆઈએ તાજેતરમાં 2022-23 મટે મોંઘવારી દરનો અનુમાન 5.7 ટકાથી વધારીને 6.7 ટકા કર્યો છે.