સરકારે કારમાં ફ્રન્ટ સીટમાં પેસેન્જર માટે એરબેગ ફરજિયાત બનાવવાનો પ્રસ્તાવ રાખ્યો છે. આમ કરવાનો ઉદ્દેશ અકસ્માતની સ્થિતિમાં પેસેન્જર સેફ્ટી સાચવવાની છે. રોડ ટ્રાન્સપોર્ટ અને રાજમાર્ગ મંત્રાલયે મંગળવારે આ મામલે ડ્રાફ્ટ નોટિફિકેશન બહાર પાડ્યું છે. મંત્રાલયે નિવેદનમાં કહ્યું કે, પેસેન્જરની સુરક્ષાને પ્રોત્સાહન આપવા માટે એક મહત્ત્વપૂ્ર્ણ પગલું લેતા મંત્રાલયે વાહન ચાલકની બાજુની ફ્રન્ટ સીટ પર બેસેલ પેસેન્જરની સુરક્ષા માટે એરબેગ ફરજિયાત કરવાનો પ્રસ્તાન રાખવામાં આવ્યો છે.

આ ઉપાયને લાગુવ કરવા માટે પ્રસ્તાવિત સમય મર્યાદા નવા વાહનો માટે 1 એપ્રિલ 2021 અને હાલના વાહનો માટે 1 જૂન 2021 છે. આ મામલે એક ડ્રાફ્ટ મંત્રાલયની વેબસાઈટ પર 28 ડિેસમ્બરે પ્રકાશિત કરવામાં આવ્યો છે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, તમામ હિતધારકોને સૂચનો, ટિપ્પણી, નોટિફિકેશન બહાર પડ્યાની તારીખતી 30 દિવસની અંદર morth@gov.inwithin પર ઇમેલ મોકલવાની રહેશે.

છેલ્લા કેટલાક વર્ષોમાં ભારત સરકાર કારને વધુમાં વધુ સલામત બનાવવાની દિશામાં કામ કરી રહી છે. પરિણામે પહેલાંની સરખામણીમાં હવે કોઈપણ કારમાં સ્ટાન્ડર્ડરૂપે વધુ સલામતી ફિચર્સ અપાઈ રહ્યા છે. આ ફિચર્સ કાર ચલાવતા ડ્રાઈવરની સાથે પેસેન્જરની સલામતી માટે પણ ખૂબ જ મહત્વના છે. સરકાર હવે આ નિયમોનું કડકાઈથી પાલન કરવાવવા પણ સક્રિય બની છે.

સરકારે બહાર પાડેલા ડ્રાફ્ટમાં કાર માટે અન્ય અનેક ફીચર્સ પણ ફરજિયાત કરાવાયા છે, જેમાં સીટબેલ્ટ રિમાઈન્ડર, સ્પીડ એલર્ટ સિસ્ટમનો પણ સમાવેશ કરાયો છે, જે તમને કોઈપણ અકસ્માત સમયે સલામત રાખવામાં કામ કરે છે. આ સિવાય હવે કારમાં એબીએસનો પણ સમાવેશ કરાઈ રહ્યો છે, જે સેન્સરની મદદથી કામ કરે છે. આ સિસ્ટમ કારને પહેલાંની સરખામણીમાં વધુ સલામત બનાવે છે અને આકસ્મિક સમયે બ્રેક લગાવવાની સ્થિતિમાં કારને સંતુલિત રાખવામાં મદદરૂપ થાય છે. ભારત સરકાર માર્ગ અકસ્માત દરમિયાન થતાં મોતની સંખ્યા ઘટાડવા અને ડ્રાઈવર તથા પેસેન્જરને વધુ સલામતી પૂરી પાડવા માટે કારમાં સેફ્ટી ફિચર્સ વધારવાની દિશામાં કામ કરી રહી છે.