Bloomberg Billionaires Index: શનિવારે વિશ્વના ટોચના અબજોપતિઓની (Billionaire List)  યાદીમાં મોટો ફેરફાર થયો છે. તેમાં સામેલ ભારતીય અબજોપતિઓની રેન્કિંગમાં આ ફેરફાર જોવા મળ્યો છે. બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઈન્ડેક્સ અનુસાર, અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણી (Gautam Adani) એ નેટવર્થના મામલે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીને (Mukesh Ambani)  પાછળ છોડી દીધા છે. છેલ્લા કેટલાક દિવસોમાં શેરબજારમાં લિસ્ટેડ અદાણીની કંપનીઓના શેરમાં થયેલા ભારે ઉછાળાને કારણે તેમની સંપત્તિ (Gautam Adani Networth)માં ભારે વધારો થયો છે અને તેઓ એશિયાના સૌથી ધનિક વ્યક્તિ બની ગયા છે.


ગૌતમ અદાણી વિશ્વના 11મા સૌથી અમીર બન્યા


અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણી તેમની સંપત્તિમાં તાજેતરના ઉછાળાને કારણે હવે વિશ્વના 11મા સૌથી ધનિક વ્યક્તિ બની ગયા છે. તેમની નેટવર્થ 111 બિલિયન ડોલર સુધી પહોંચી ગઈ છે અને આટલી સંપત્તિ સાથે તેમણે મુકેશ અંબાણીને પાછળ છોડી દીધા છે. બ્લૂમબર્ગ અનુસાર, મુકેશ અંબાણીની કુલ સંપત્તિ 109 બિલિયન ડોલર છે અને આ આંકડા સાથે તેઓ વિશ્વના સૌથી ધનિકોની યાદીમાં 12મા સ્થાને આવી ગયા છે.


છેલ્લા 24 કલાકમાં ગૌતમ અદાણીની સંપત્તિમાં જોરદાર ઉછાળો આવ્યો છે. તેમની નેટવર્થમાં 5.45 બિલિયન ડોલર અથવા લગભગ 45,000 કરોડ રૂપિયાથી વધુનો વધારો થયો છે. સંપત્તિમાં આ અચાનક થયેલા વધારાને કારણે અદાણી ગ્રુપના ચેરમેને 12માં સ્થાનથી એક ડગલું આગળ વધીને 11માં સ્થાન પર કબજો જમાવી લીધો છે.  ગૌતમ અદાણી વર્ષ 2024માં સૌથી વધુ કમાણી કરનારા અબજોપતિઓમાં સામેલ છે. તેમણે 1 જાન્યુઆરી, 2024 થી અત્યાર સુધીમાં 26.8 બિલિયન ડોલરની કમાણી કરી છે. મુકેશ અંબાણીની સંપત્તિમાં આ વર્ષે 12.7 અબજ ડોલરનો વધારો થયો છે.


વર્ષ 2023 ગૌતમ અદાણી માટે ઘણું ખરાબ સાબિત થયું હતું. 24 જાન્યુઆરી, 2023 ના રોજ જ્યારે અમેરિકન શોર્ટ સેલર ફર્મ હિંડનબર્ગે અદાણી ગ્રુપ પર તેનો રિસર્ચ રિપોર્ટ પબ્લિશ કર્યો હતો ત્યારે અદાણીના શેરમાં થયેલા ઘટાડા બાદ તેઓ ટોપ-3માં સરકીને ટોપ-10 બિલિયોનેર્સની યાદીમાંથી બહાર થઈ ગયા હતા. બાદમાં તેઓ ટોપ-30ના લિસ્ટમાંથી પણ બહાર થઇ ગયા હતા. હવે લગભગ 16 મહિના પછી તેઓ ફરી એશિયાના સૌથી અમીર વ્યક્તિ બની ગયા છે.