નવી દિલ્લીઃ નાણામંત્રી નિર્મલા સીતારમણ કોરોના કાળમાં પ્રથમ બજેટ રજૂ કર્યુ હતું. આશરે બે કલાક જેટલા બજેટ ભાષણમાં કોઇ ખાસ જાહેરાતો કરવામાં આવી નહોતી. નાણાં મંત્રી નિર્મલા સીતારમણ આવકવેરા મુક્તિ મર્યાદામા વધારો કરશે એવી આશા હતી પણ એવી કોઈ જાહેરાત કરાઈ નથી. આવકવેરાના સ્લેબ તથા બીજા તમામ નિયમો યથાવત રખાયા છે.


ખેડૂતો અંગે શું બોલ્યા નાણામંત્રી

બજેટ ભાષણ દરમિયાન નાણા મંત્રી ખેડૂતોને લઇ એક વાત બોલ્યા હતા. જેને લઈ હંગામો થઈ ગયો હતો. તેમણે કહ્યું કે, સરકાર ખેડૂતોને સમર્પિત છે. આ શબ્દો બોલતાં જ સંસદમાં હંગામો થયો હતો. તેમણે કહ્યુ, સરકાર ખેડૂતોની આવક બમણી કરવા કામ કરી રહી છે.  ખેડૂતોના ખાતામાં સબ્સિડીની રકમ સીધી જમા કરી છે. મોદી સરકારે દરેક સેક્ટરમાં ખેડૂતોની મદદ કરી છે. દાળ, ઘઉં સહિત અન્ય પાકોની એમએસપી વધારી છે.



અફોર્ડેબલ હાઉસિંગને લઈ શું થઈ જાહેરાત

નાણાં મંત્રી નિર્મલા સીતારમણે નાણાંકીય વર્ષ 2021-22ના સામાન્ય બજેટમાં હોમ લોનના વ્યાજ પર મળતી રાહત અંગે મોટી જાહેરાત કરી હતી. નિર્મલા સીતારામને ગયા વર્ષે એફોર્ડેબલ હાઉસિંગનો લાભ લેનારા લોકોને હોમ લોનના વ્યાજની 1.50 લાખ રૂપિયાની રકમને આવકવેરામાંથી બાદ આપવો નિર્ણય લીધો હતો. બે લાખ રૂપિયા સૂધીના હોમ લોનના વ્યાજને મળતી મુક્તિ મર્યાદા સિવાય વધારાનો આ લાભ હતો. આ યોજનાનો લાભ 31 માર્ચ, 2021 સુધી લંબાવાયો છે. મતલબ કે, એફોર્ડેબલ હાઉસિંગ પ્રોજેક્ટ હેઠળ વધારાનો 1.50 લાખ વધુ એક વર્ષ સુધી મળશે.