Budget 2024: જ્યારે પણ દેશના સૌથી લોકપ્રિય બજેટની ચર્ચા કરવામાં આવે છે, ત્યારે મનમોહન સિંહ 1991-92, પી ચિદમ્બરમ 1997-98 અને યશવંત સિંહા 2000-01ના બજેટની ચર્ચા કરવામાં આવે છે. આ ઉપરાંત વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકાર દ્વારા કરવામાં આવેલા આર્થિક સુધારાની પણ વાત કરવામાં આવી છે. પરંતુ, આજે અમે તમને એક એવા બજેટ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે આઝાદી પહેલા આવ્યું હતું. આમાં લેવાયેલા નિર્ણયો આજે પણ ચર્ચાનો વિષય છે. આ બજેટ રજૂ કરનાર વ્યક્તિ બાદમાં પાકિસ્તાનના પ્રથમ વડાપ્રધાન પણ બન્યા હતા.
લિયાકત અલી ખાન આઝાદીના 6 મહિના પહેલા બજેટ લાવ્યા હતા
ભારતની આઝાદીના લગભગ 6 મહિના પહેલા કોંગ્રેસ અને મુસ્લિમ લીગની વચગાળાની સરકારમાં નાણામંત્રી લિયાકત અલી ખાને બજેટ રજૂ કર્યું હતું. આ વાતને આજે પણ યાદ કરવામા આવે છે. આ બજેટમાં તેમણે મીઠા પરનો ટેક્સ હટાવીને કેપિટલ ગેઈન ટેક્સ લાગુ કરવાની દરખાસ્ત કરી હતી. ખાનનું આ બજેટ ગરીબોનું બજેટ કહેવાય છે. તેમણે ટેક્સ માટેની લઘુત્તમ વાર્ષિક આવક 2000 થી વધારીને 2500 રૂપિયા કરી હતી. તેમણે મીઠા પરના કરને દૂર કરવા અને કરની આવકમાં વધારાને કારણે સરકારની આવકમાં થયેલા ઘટાડાને સરભર કરવા માટે બે નવા ટેક્સ લગાવવાની દરખાસ્ત કરી હતી.
કેપિટલ ગેન ટેક્સનો થયો જન્મ
પ્રથમ તેમણે બિઝનેસથી થનારા એક લાખ રૂપિયાથી વધુના નફા પર 25 ટકા ટેક્સ લગાવ્યો હતો. ઉપરાંત 5000 રૂપિયાથી વધુની સંપત્તિના વેચાણ પર કેપિટલ ગેન ટેક્સ લાદવામાં આવ્યો હતો. તેમણે કોર્પોરેશન ટેક્સ પણ બમણો કર્યો હતો. લિયાકત અલી ખાને 327.88 કરોડ રૂપિયાનું બજેટ રજૂ કર્યું હતું. નાણામંત્રી નિર્મલા સીતારમણનું છેલ્લું બજેટ 39.45 લાખ કરોડ રૂપિયા હતું.
તેને સામાજિક ન્યાયનું બજેટ કહેવામાં આવતું હતું. પરંતુ ઉદ્યોગપતિઓએ તેનો વિરોધ કર્યો હતો. બજેટના બીજા દિવસે બોમ્બે સ્ટોક એક્સચેન્જ બંધ રહ્યું હતું. કલકત્તા, મદ્રાસ અને દિલ્હીમાં પણ બંધ જાહેર કરાયું હતું. ઉદ્યોગ સંગઠનોએ પણ આ નવા કરનો વિરોધ કર્યો હતો. આ પછી તત્કાલિન વાઈસરોય લોર્ડ આર્ચીબાલ્ડ વાવેલે લિયાકત અલી ખાનને ટેક્સ ઘટાડવા માટે કહ્યું હતું.
ખાનનું આ બજેટ વિવાદોમાં ફસાયું હતું
ખાનના આ બજેટ પર અન્ય આક્ષેપો પણ કરવામાં આવ્યા હતા. મોટા ભાગના વેપારીઓ કોંગ્રેસને ટેકો આપતા હોવાથી આવો ટેક્સ લગાવવામા આવ્યો હોવાનો પણ આરોગ લગાવવામાં આવતો હતો. તેમનો હેતુ હિંદુ મારવાડી અને વ્યાપારી સમુદાયોને નુકસાન પહોંચાડવાનો હતો. એવું પણ કહેવામાં આવ્યું હતું કે મુસ્લિમ લીગ માત્ર એ બતાવવા માટે સરકારમાં જોડાઈ હતી કે સંયુક્ત ભારત ચલાવવું એ ખૂબ મુશ્કેલ કામ છે. આ બજેટે પાકિસ્તાનના જન્મને વધુ વેગ આપ્યો. આખરે દેશ બે ભાગમાં વહેંચાઈ ગયો. પરંતુ લિયાકત અલી ખાને આપેલો કેપિટલ ગેઈન ટેક્સ યથાવત રહ્યો હતો.