ICICI Bank - Videocon Loan Fraud Case: બોમ્બે હાઈકોર્ટે ICICI બેંકના ભૂતપૂર્વ સીઈઓ અને એમડી ચંદા કોચર અને તેમના પતિ દીપક કોચરને વચગાળાના જામીન આપ્યા છે. ગયા વર્ષે સેન્ટ્રલ બ્યુરો ઑફ ઈન્વેસ્ટિગેશન (CBI) દ્વારા તેમની લોન છેતરપિંડીના કેસમાં ધરપકડ કરવામાં આવી હતી. હાઈકોર્ટે કોચરને ગેરકાયદેસર ધરપકડનો કેસ હોવાના આધારે વચગાળાના જામીન આપ્યા છે. જસ્ટિસ અનુજા પ્રભુદેસાઈ અને એનઆર બોરકરની બેન્ચે મંગળવારે કહ્યું હતું કે, અમે વચગાળાના જામીનના આદેશની પુષ્ટિ કરી છે.


કોચરના વકીલે શું કરી દલીલ


કોચરના વકીલ અમિત દેસાઈએ દલીલ કરી હતી કે અસહયોગ ધરપકડનું કારણ બની શકે નહીં. તેણીના કેસમાં, જ્યારે તેણીની સીબીઆઈ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી, ત્યારે કોઈ મહિલા અધિકારી હાજર ન હતી જે કાયદા હેઠળ ફરજિયાત છે.  સીબીઆઈ તરફથી હાજર રહેલા એડવોકેટ કુલદીપ પાટીલે રજૂઆત કરી હતી કે કોચર તરફથી સંપૂર્ણ અસહકાર કરવામાં આવ્યો હતો અને તેણીને વીડિયોકોનના ચીફ વેણુગોપાલ ધૂત સાથે મુકાબલો કરવાની જરૂર હતી જેમની પણ તેના પછી આ કેસમાં ધરપકડ કરવામાં આવી હતી.


ક્યારે કરવામાં આવી હતી ધરપકડ


વીડિયોકોન-આઈસીઆઈસીઆઈ બેંક લોન કેસના સંબંધમાં સીબીઆઈ દ્વારા 23 ડિસેમ્બર, 2022 ના રોજ દંપતિની ધરપકડ કરવામાં આવી હતી. કોચર ઉપરાંત સીબીઆઈએ આ કેસમાં વીડિયોકોન જૂથના સ્થાપક વેણુગોપાલ ધૂતની પણ ધરપકડ કરી હતી. સીબીઆઈએ આરોપ લગાવ્યો છે કે ખાનગી ક્ષેત્રની ધિરાણકર્તા ICICI બેંકે બેંકિંગ રેગ્યુલેશન એક્ટ, રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાની માર્ગદર્શિકા અને બેંકની ક્રેડિટ નીતિનું ઉલ્લંઘન કરીને ધૂત દ્વારા પ્રમોટ કરવામાં આવેલી વીડિયોકોન ગ્રુપની કંપનીઓને 3,250 કરોડ રૂપિયાની ક્રેડિટ મંજૂર કરી હતી.