Byju Trouble: દેણામાં ડૂબેલી એડટેક કંપની બાયજુ(Byju's)માંથી ફાઉન્ડર અને સીઈઓ બાયજુ રવિન્દ્રનને  હટાવી દેવામાં આવ્યા છે. બાયજુ રવિન્દ્રન ઉપરાંત કંપનીના શેરધારકોએ શુક્રવારે તેમના પરિવારના સભ્યોને પણ બહારનો રસ્તો બતાવ્યો હતો. બાયજુ રવિન્દ્રનના પરિવારે આ મતદાનને ગેરકાયદે ગણાવ્યું છે.


કંપનીની EGMમાં લેવાયો નિર્ણય 


પીટીઆઈએ બાયજુની પેરેન્ટ કંપની થિંક એન્ડ લર્ન પ્રાઈવેટ લિમિટેડના શેરધારકો પ્રોસસ (Prosus)ને ટાંકીને કહ્યું કે બાયજુ રવિન્દ્રન અને તેના પરિવારને કંપની સાથે ગેરવહીવટ કરવા બદલ દૂર કરવામાં આવ્યા છે. કંપનીની EGM (Extraordinary General Meeting) માં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. બાયજુ રવિન્દ્રન અને તેમનો પરિવાર આ બેઠકમાં હાજર રહ્યો ન હતો. તેમણે EGMને ગેરકાયદેસર જાહેર કરી છે. 


બોર્ડ ઓફ ડિરેક્ટર્સની પુનઃરચના કરવામાં આવશે


માહિતી અનુસાર, બાયજુના 60 ટકાથી વધુ શેરધારકોએ સીઈઓ રવિન્દ્રનને હટાવવાના નિર્ણયને મંજૂરી આપી હતી.પ્રોસસે જણાવ્યું હતું કે બાયજુ રવિન્દ્રન અને તેના પરિવારને હટાવવા સહિત ઘણા નિર્ણયો EGMમાં સર્વસંમતિથી લેવામાં આવ્યા હતા. તેમાં કંપનીના બોર્ડ ઓફ ડિરેક્ટર્સની પુનઃ રચનાનો પણ સમાવેશ થાય છે. આ પછી થિંક એન્ડ લર્ન અને તેના સ્થાપક બાયજુ રવિન્દ્રનનું તેના પર કોઈ નિયંત્રણ રહેશે નહીં. જો કે, આ બેઠકના નિર્ણયો 13 માર્ચ સુધી લાગુ કરવામાં આવશે નહીં. તે દિવસે કર્ણાટક હાઈકોર્ટ બાયજુ રવિન્દ્રનની અરજી પર સુનાવણી કરશે. તેમણે EGM બોલાવવા સામે અરજી કરી છે.


બાયજુ રવીન્દ્રનને કંપની ચલાવવાથી ગેરલાયક ઠેરવવાની માંગ


અગાઉ શુક્રવારે એડટેક કંપની બાયજુના ચાર રોકાણકારોએ કંપનીના મેનેજમેન્ટ સામે ગેરવહીવટનો આરોપ લગાવતા નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ (NCLT)માં કેસ દાખલ કર્યો હતો. તેમણે કંપનીના સ્થાપક બાયજુ રવીન્દ્રનને કંપની ચલાવવાથી ગેરલાયક ઠેરવવાની માંગ કરી અને કહ્યું કે બાયજુનું ફોરેન્સિક ઓડિટ કરાવવું જોઈએ. આ સિવાય કંપનીમાં નવા બોર્ડની નિમણૂક કરવી જોઈએ અને રાઈટ્સ ઈશ્યુને રદબાતલ જાહેર કરવો જોઈએ.


એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ બ્યુરો ઓફ ઈમિગ્રેશન (BOI) ને એડટેક ફર્મ બાયજુના સ્થાપક અને સીઈઓ બાયજુ રવિેન્દ્રન સામે લુક આઉટ નોટિસ જારી કરવા જણાવ્યું છે. આ દ્વારા તપાસ એજન્સી એ સુનિશ્ચિત કરવા માંગે છે કે બાયજુ રવીન્દ્રન દેશ છોડીને ના જાય. ઈકોનોમિક્સ ટાઈમ્સે તેના એક રિપોર્ટમાં આ અંગે માહિતી આપી છે.