Income Tax Laws: 2024ની લોકસભા ચૂંટણી પછી, વધુ કમાણી કરનારાઓ પર વધુ ટેક્સ લાદવાના સમાચારને નાણા મંત્રાલય તરફથી સ્પષ્ટતા મળી છે. એક સ્પષ્ટતા જારી કરીને નાણા મંત્રાલયે કહ્યું કે ડાયરેક્ટ ટેક્સ એક્ટમાં કેપિટલ ગેઈન ટેક્સમાં ફેરફાર અંગે સરકાર સમક્ષ કોઈ પ્રસ્તાવ વિચારણા હેઠળ નથી.
બ્લૂમબર્ગનો રિપોર્ટ આવ્યો હતો, જે મુજબ ભારત સરકાર પોતાના ડાયરેક્ટ ટેક્સ કાયદામાં ધરમૂળથી ફેરફાર કરવાની તૈયારી કરી રહી છે. જેથી દેશમાં વધી રહેલી આર્થિક અસમાનતાને ઓછી કરી શકાય. આમાં સૌથી મહત્વની બાબત એ હશે કે ઉચ્ચ કમાણી કરનારાઓ પાસેથી વધુ કેપિટલ ગેઈન ટેક્સ કેવી રીતે વસૂલ કરવો. પરંતુ આ સમાચાર પર આવકવેરા વિભાગે ટ્વીટ કર્યું કે, સ્પષ્ટતા કરવામાં આવે છે કે કેપિટલ ગેઈન ટેક્સને લઈને સરકાર સમક્ષ આવો કોઈ પ્રસ્તાવ નથી.
હકીકતમાં, રિપોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે 2024માં પ્રસ્તાવને લાગુ કરવા માટે એક પેનલની રચના કરવામાં આવી શકે છે. જો કે આ અંગે હજુ કોઈ અંતિમ નિર્ણય લેવામાં આવ્યો નથી. આ સમાચાર સામે આવ્યા બાદ શેરબજારના બેન્ચમાર્ક ઈન્ડેક્સમાં 0.6%નો ઘટાડો થયો હતો.
રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે વિશ્વભરના દેશોમાં આર્થિક અસમાનતાને દૂર કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. રાષ્ટ્રપતિ શી જિનપિંગે ચીનમાં કોમન પ્રોસ્પેરિટી પ્રોગ્રામ શરૂ કર્યો છે, જ્યારે અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેને અમીરો પર વધુ ટેક્સ લાદવાનો નિર્ણય લીધો છે. ગરીબી નાબૂદીના વચન સાથે ત્રણ દાયકામાં સૌથી મોટી બહુમતી સાથે સત્તામાં આવેલી મોદી સરકાર પર અમીરોને મહત્તમ લાભ આપવાનો આરોપ છે, જેના કારણે સરકાર પોતાની છબી સુધારવા માંગે છે. ઉપરાંત, નવા ડાયરેક્ટ ટેક્સ કોડ સાથે, સરકાર જટિલ ટેક્સ સિસ્ટમને સરળ બનાવવા માંગે છે. જેથી વિદેશી રોકાણકારોને આકર્ષી શકાય.
કેપિટલ ગેન્સ ટેક્સ શું છે?
કોઈપણ મૂડી અથવા મિલકતમાંથી નફો કેપિટલ ગેઇન કહેવાય છે. આના પર લાગુ પડતો ટેક્સ કેપિટલ ગેઈન ટેક્સ છે. જ્યારે કોઈ રોકાણકાર તેના શેર, મિલકત, મકાન, કાર અથવા અન્ય કોઈપણ રોકાણ વેચે છે, ત્યારે નફા પર કર લાગે છે.
ભારતમાં ટોચની 10% વસ્તી પાસે 77% પૈસા છે
ભારતની ટોચની 10 ટકા વસ્તી પાસે 77 ટકા સંપત્તિ છે. ઓક્સફેમ ઈન્ટરનેશનલે આ અનુમાન લગાવ્યું છે. તે જ સમયે, સરકારી આંકડાઓ અનુસાર, દેશમાં લગભગ 6 ટકા લોકો જ ITR ભરે છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે સરકાર અમીર અને ગરીબ વચ્ચેનો તફાવત ઘટાડવા માટે આ પગલું ભરી શકે છે.