Provident Fund News: કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે આવકવેરાના નવા નિયમો જાહેર કર્યા છે, જે મુજબ પ્રોવિડન્ટ ફંડ ખાતાને બે અલગ ખાતામાં વહેંચવામાં આવશે. સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સ એટલે કે સીબીડીટીએ પણ આ સંદર્ભે જાહેરનામું બહાર પાડ્યું છે. વળી, સરકાર હવે વાર્ષિક 2.5 લાખ રૂપિયાથી વધુ જમામ પીએફ રકમ પર ટેક્સ લગાવશે.


નોટિફિકેશન મુજબ ભવિષ્ય નિધિ ખાતાઓ પર વ્યાજની ગણતરી માટે એક અલગ ખાતું ખોલવામાં આવશે. તમામ વર્તમાન કર્મચારી ભવિષ્ય નિધિ (EPF) ખાતાને કરપાત્ર અને બિન-કરપાત્ર યોગદાન ખાતામાં વહેંચવામાં આવશે.


સૂચનામાં શું કહેવામાં આવ્યું છે?


31 માર્ચ, 2021 સુધી કોઈપણ યોગદાન પર કોઈ ટેક્સ લાગશે નહીં.


નાણાકીય વર્ષ 2020-21 પછી, પીએફ ખાતાઓ પર મળતું વ્યાજ કરના દાયરામાં આવશે.


ટેક્સ અલગથી અને અલગ ખાતું ખોલ્યા બાદ ગણવામાં આવશે.


નાણાકીય વર્ષ 2021-22 અને પછીના વર્ષોમાં, ભવિષ્ય નિધિ ખાતામાં જ બે અલગ અલગ ખાતા હશે.


2.5 લાખથી ઉપરની થાપણો પર ટેક્સ લાગશે


આવકવેરા (25 મો સુધારો) નિયમો, 2021 મુજબ, નવા નિયમો 1 એપ્રિલ, 2022 થી લાગુ થશે, પરંતુ નાણાકીય વર્ષ 2021-22 સુધી, જો ખાતાધારકના ખાતામાં દર વર્ષે 2.5 લાખ રૂપિયાથી વધુ રકમ જમા થાય તો તે જમા રકમ પર મળનારા વ્યાજ પર ટેક્સ લાગશે. આ વ્યાજ અંગેની માહિતી ખાતાધારકને આગામી વર્ષના આવકવેરા રિટર્નમાં આપવાની રહેશે.


સરકારી અંદાજ મુજબ દેશમાં આશરે એક લાખ 23 હજાર ઉચ્ચ આવક ધરાવતા કર્મચારીઓ તેમના પ્રોવિડન્ટ ફંડ ખાતામાંથી સરેરાશ કરમુક્ત વ્યાજમાં 50 લાખ રૂપિયાથી વધુ કમાણી કરી રહ્યા છે. આ જ કારણ છે કે સરકાર તેમના પર ટેક્સ લગાવવા માટે નવા નિયમો લાગુ કરી રહી છે.


ખાનગી-સરકારી કર્મચારીઓ માટે અલગ મર્યાદા


એક મહત્વની વાત યાદ રાખવા જેવી છે કે વાર્ષિક 2.5 લાખ રૂપિયાની આ મર્યાદા માત્ર ખાનગી કંપનીઓમાં કામ કરતા કર્મચારીઓ માટે છે, સરકારી કર્મચારીઓ માટે નથી. જો તમે સરકારી કર્મચારી છો, તો EPF અને VPF માં યોગદાનની મર્યાદા 2.5 લાખને બદલે 5 લાખ રૂપિયા છે. મતલબ જો સરકારી કર્મચારીના EPF અને VPF ખાતામાં વાર્ષિક પાંચ લાખ રૂપિયા જમા થાય છે, તો તેમને તે વધારાની રકમ પર ટેક્સ ચૂકવવો પડશે.