નવી દિલ્હીઃ લૉકડાઉનને લઈ 25 માર્ચથી બંધ થયેલા ઘરેલુ ફ્લાઇટ ફરીથી 25 મેથી શરૂ થશે. દેશમાં બે મહિના બાદ ફરીથી હવાઈ સેવા શરૂ થશે. જેને લઈ નાગરિક ઉડ્ડયન મંત્રી હરદીપ સિંહ પુરીએ પ્રેસ કોન્ફરન્સ કરી હતી.


તેમણે જણાવ્યું કે, જ્યારે અમે 5 મેના રોજ વંદે ભારત મિશનની જાહેરાત કરી હતી ત્યારે વીડિયો કોન્ફરન્સથી મળ્યા હતા. આજે 21 મેના રોજ આપણે એકબીજાને મળી રહ્યા છે. આ વાત દર્શાવે છે કે અમે પરિસ્થિતિને ફરીથી સામાન્ય બનાવવા અને શરૂ કરવાનો આત્મવિશ્વાસ હાંસલ કરી લીધો છે. અમે 20,000થી વધારે લોકોને વિવિધ સ્થળોએ પરત લાવી ચુક્યા છીએ. વંદે ભારત મિશનમાં વિદેશમાં ફસાયેલા આપણા નાગરિકોને બહાર કાઢવા પર સ્પષ્ટ ભાર મૂકવામાં આવ્યો છે.


હરદીપ સિંહ પુરીએ કહ્યું, સોમવારે 25 મેથી અમે ઘરેલુ હવાઇ સેવા ફરીથી શરૂ કરી રહ્યા છીએ. જે બાદ પરિસ્થિતિના આધારે તેને વધારવામાં આવી શકે છે. આ ઉપરાંત તેમણે ઘરેલુ ઉડાનને લઈ દિશા નિર્દેશોની પણ જાણકારી આપી હતી. તેમણે કહ્યું, યાત્રી કોવિડ-19ના લક્ષણથી મુક્ત હોય તે આરોગ્ય સેતુ એપથી નિશ્ચિત કરાશે. આરોગ્ય સેતુ એપ પર લાલ નિશાનીવાળા મુસાફરને યાત્રા નહીં કરવા દેવામાં આવે.


ઈન્ટરનેશનલ ઉડાનો અંગે નાગરિક ઉડ્ડયન મંત્રી હરદીપ સિંહ પુરીએ કહ્યું, ઘરેલુ ઉડાનો શરૂ કરવાના અમારા અનુભવના આધાર પર અમારે કેટલીક પ્રક્રિયાઓ બદલવી પડી શકે છે. ત્યાર બાદ જ આંતરરાષ્ટ્રીય ઉડાન અંગે વિચાર કરવામાં આવશે.


આ ઉપરાંત તેમણે કહ્યું, અમે ઘરેલુ ઉડાન માટે લઘુત્તમ અને મહત્તમ ભાડુ નક્કી કર્યુ છે. 90 થી 120 મિનિટના પ્રવાસ માટે લઘુત્તમ ભાડું 3500 રૂપિયા અને મહત્તમ ભાડુ 10,000 રૂપિયા નક્કી કર્યુ છે. જે ત્રણ મહિના સુધી ચાલુ રહેશે.