અમદાવાદઃ ગુજરાતની પ્રજા પર મોંઘવારીનો વધુ એક માર પડ્યો છે. ગઈકાલે નેચરલ ગેસના ભાવમાં વધારો થયા બાદ આજે અદાણી ગેસે સીએનજી અને પીએનજીના ભાવમાં ધરખમ વધારો કર્યો છે. સીએનજીના ભાવમાં પ્રતિ કિલોએ 5 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. જ્યારે પીએનજીના ભાવમાં અંદાજે પ્રતિ એમએમબીટીયુ 120 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે.


આજે સીએનજીના ભાવમાં વધારો કર્યા બાદ ગુજરાતમાં સીએનજીનો નવો ભાવ 79.59 રૂપિયાએ પહોંચી ગયો છે. આ પહેલા જૂનો ભાવ પ્રતિ કિલો 74. 59 રૂપિયા હતો. આ પહેલા છેલ્લે 24 એપ્રિલ એટલે કે એક સપ્તાહ પહેલા પ્રતિ કિલો સીએજીના ભાવમાં 1.5 રૂપિયાનો વધારો થયો હતો.


નેચરલ ગેસની નવી કિંમત 


સીએનજીથી લઈને પીએનજી મોંઘી થઈ શકે છે. કારણ કે ઘરેલુ ગેસના ભાવમાં બમણાથી વધુનો વધારો કરવામાં આવ્યો છે. 1 એપ્રિલ, 2022થી સ્થાનિક કુદરતી ગેસના ભાવ વધીને $6.10 પ્રતિ mmBtu થઈ ગયા છે. નવી કિંમત 1 એપ્રિલથી છ મહિના માટે લાગુ થશે. હાલમાં, સ્થાનિક કુદરતી ગેસની કિંમત $2.9 પ્રતિ mmBtu છે. વધુમાં, સરકારે ડીપ ફિલ્ડમાંથી પ્રાકૃતિક ગેસની કિંમત વધારીને $9.92 પ્રતિ mmBtu કરી છે.


ગેસના ભાવ વધારાના કારણે એપ્રિલ મહિનાથી રસોડામાં ભોજન રાંધવાથી લઈને વીજળી અને ટ્રાન્સપોર્ટના ખર્ચમાં વધારો થવા જઈ રહ્યો છે. વાસ્તવમાં, આંતરરાષ્ટ્રીય બજારોમાં કુદરતી ગેસની કિંમતોમાં ભારે વધારાને કારણે ગેસની કિંમતોમાં વધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.


વાસ્તવમાં, કોવિડ 19 રોગચાળા પછી ગેસની માંગ વધી છે, પરંતુ તે પ્રમાણમાં ઉત્પાદન વધ્યું નથી, જેના કારણે ગેસના ભાવમાં વધારો થયો છે. સ્થાનિક ઉદ્યોગ આયાતી એલએનજી માટે સમાન ઊંચી કિંમત ચૂકવી રહ્યો છે, જેની કિંમત ક્રૂડ ઓઇલ સાથે જોડાયેલી છે. મોંઘા એલએનજીએ રિફાઈનરીઓ અને પાવર કંપનીઓને મુશ્કેલીમાં મુકી છે.


એપ્રિલ અને ઓક્ટોબર મહિનામાં દર છ મહિને ગેસના ભાવની સમીક્ષા કરવામાં આવે છે. નેચરલ ગેસના ભાવ પ્રતિ યુનિટ $2.9 થી વધીને $6.1 પ્રતિ યુનિટ થયા છે. તમને જણાવી દઈએ કે કુદરતી ગેસની કિંમતમાં એક ડોલરનો વધારો થાય છે તો CNGની કિંમતમાં પ્રતિ કિલો 4.5 રૂપિયાનો વધારો થાય છે. આ રીતે CNGની કિંમતમાં પ્રતિ કિલો 15 રૂપિયા સુધીનો વધારો થઈ શકે છે. તેથી ઘરોમાં વીજળીથી સપ્લાય કરવામાં આવતી PNGની કિંમતમાં પણ વધારો થશે. સરકાર પર ખાતર સબસિડી બિલના ખર્ચનો બોજ પણ વધશે.