અમદાવાદઃ રાજ્યમાં કોરોનાના દર્દીઓની સારવાર માટે રેમડેસિવિર ઈન્જેકશન (Remdesivir Injection) ઘણું કારગર છે પરંતુ છેલ્લા થોડા દિવસોથી તેની અછત સર્જાઈ છે. રેમડેસિવિરની માંગ વચ્ચે હવે ટોસિલીઝુમેબ ઈન્જેક્શન (Tocilizumab Injection) લેવા માટે દર્દીના સગાઓએ ભટકવું પડી રહ્યું છે. સ્વિત્ઝર્લેન્ડની કંપનીએ ટોસિલીઝુમેબ ઈન્જેકશનનું ઉત્પાદન ઘટાડી દેતાં બહુ ઓછો સ્ટોક આવતાં આ સ્થિતિ સર્જાઈ છે.


કોને આપવું પડે છે આ ઈન્જેક્શન


તબીબોના કહેવા મુજબ જે દર્દીને ઓક્સિજનની જરૂર હોય, ફેફસામાં વધુ સંક્રમણ હોય તેવા દર્દીને ટોસિલીઝુમેબ આપવું પડે છે. તબીબી ભાષામાં આને સાઇટોકોઇન સ્ટ્રોમ કહે છે. છેલ્લા એકાદ મહિનાથી આની પણ અછત જોવા મળી રહી છે. દિવાળી (Diwali) પછી કોરોનાના કેસ વધતાં કંપનીએ ઈન્જેકશનનું ઉત્પાદન ઘટાડી દીધું છે. જેના કારણે દર્દીઓને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.


કેટલી છે કિંમત


ટોસિલીઝુમેબની એક્સપાયરી ડેટ માત્ર છ મહિના જ હોય છે, જેથી કંપની વધારે માત્રામાં ઉત્પાદન નથી કરી. આ ઈન્જકેશનની કિંમત 45 હજાર રૂપિયા આસપાસ હોય છે. જે દર્દીને આની જરૂર હોય તેને ડોક્ટર લખી તો આપે છે પણ હાલ અછત હોવાના કારણે મળતું નથી. આમ રેમડેસિવિર બાદ આ ઈન્જેક્શનની તકલીફ ઉભી થતાં કોરોનાગ્રસ્ત દર્દીઓના સગાસબંધીની હાલત વધારે કફોડી થઈ છે.


ગુજરાતમાં શું છે કોરોનાનું ચિત્ર


રાજ્યમાં કોરોના વાયરસ (Coronavirus) ની બીજી લહેર વધુ ઘાતક બની છે. કોરોના સંક્રમણ ઝડપથી વધી રહ્યું છે. દરરોજ રેકોર્ડબ્રેક કોરોના પોઝિટિવ કેસ સામે આવી રહ્યાં છે.  સોમવારે છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં સૌથી વધુ 6021 નવા કેસ નોંધાયા હતા. જ્યારે વધુ 55 લોકોનાં મૃત્યુ થયા હતા. ગઈકાલે નોંધાયેલા કેસ અત્યાર સુધીમાં એક દિવસમાં નોંધાયેલા સૌથી વધુ કેસ છે.  રાજ્યમાં કુલ મૃત્યુઆંક 4855 પર પહોંચ્યો છે. રાજ્યમાં ગઈકાલે 2854 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. તેની સાથે અત્યાર સુધી 3,17,981 લોકો ડિસ્ચાર્જ થયા છે. રાજ્યમાં એક્ટિવ કેસ (Active cases)ની સંખ્યા વધીને 30,000 પાર પહોંચી ગઈ છે. રાજ્યમાં હાલ એક્ટિવ કેસનો આંકડો 30680 પર પહોંચ્યો છે. જેમાંથી 216 લોકો વેન્ટિલેટર પર અને 30464 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 89.95 ટકા છે.  રાજ્યમાં કુલ મૃત્યુઆંક 4855 પર પહોંચ્યો છે.