મુંબઈ: આર્થિક સંકટથી જજૂમી રહેલ યસ બેન્કને પાટા પર લાવવા માટે લાગૂ થયેલા નવા પ્લાન બાદ યસ બેન્ક ખાતાધારકો માટે એક સારાં સમચાર છે. સોમવારે બેન્કે ટ્વીટ કરીને એ વાતની જાણકારી આપી હતી કે, ખાતાધારકો પરથી બેન્કે તમામ પ્રતિબંધ હટાવી લીધા છે. એટલે કે 18 માર્ચ સાંજે 6 વાગ્યા બાદ ગ્રાહક પોતાના ખાતાથી સામાન્ય લેવડદેવડ કરી શકશે. ખાતાધારકો બેન્કની તમામ 1,132 શાખાઓથી લેવડદેવડ કરી શકશે.


5 માર્ચ 2020એ સાંજે 6 વાગ્યાથી આરબીઆઈ દ્વારા યસ બેન્ક ડિપોઝીટર્સની વિડ્રોલ લિમિટ 50,000 રૂપિયા નક્કી કરી હતી. ત્યાર બાદ જ યસ બેન્કનો કોઈ ખાતાધારક કોઈ પણ માધ્યમથી પૈસા ટ્રાન્સફર કરી શકતો ન હતો અને ન તો એટીએમથી કેશ કાઢી શકતો હતો.

શુક્રવારે નાણાં મંત્રી નિર્મલા સીતારમણે પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે, યસ બેન્કમાં ભારતીય સ્ટેટ બેન્ક 49 ટકા હિસ્સો ખરીદશે. એસબીઆઈ ત્રણ વર્ષ સુધી પોતાની સ્ટેકને 26 ટકાથી ઓછી કરી શકશે નહીં. આ સિવાય પ્રાઈવેટ બેન્ક પણ તેમાં રોકાણ કરશે. પ્રાઈવેટ બેન્કો માટે પણ લોકઈન પીરિયડ 3 વર્ષ સુધીનો જ રહેશે પરંતુ તેમના માટે સ્ટેકની લિમિટ 75 ટકા સુધી છે.

યસ બેન્કે ડિસેમ્બર 2019માં પૂર્ણ થયેલ ત્રિમાસિકમાં તેને 18,564 કરોડ રૂપિયાનું નુકશાન થયાનું શનિવારે જાણકારી આપી હતી. ખાનગી ક્ષેત્રની આ બેન્કનું સંચાલન હાલમાં ભારતીય રિઝર્વ બેન્કના આદેશ પર પ્રશાંત કુમાર કરી રહ્યા છે. બેન્કે ગત વર્ષે આ અવધિમાં જ 1,000 કરોડ રૂપિયાનો લાભ નોંધાવ્યો હતો અને ડિસેમ્બરમાં સમાપ્ત થયેલ ત્રિમાસિકમાં 629 કરોડનું નુકશાન થયું હતું.