નવી દિલ્હીઃ દેશમાં કોરોનાની બીજી લહેર શાંત પડી ગઈ છે અને એક્સપર્ટ ત્રીજી લહેરની આશંકા વ્યક્ત કરી ચુક્યા છે. દેશમાં કાળ બનીને ફરી વળેલી બીજી લહેર દરમિયાન યુવાનો વધુ પ્રમાણમાં ભોગ બન્યા હતા. કોરોનાની ત્રીજી સંભવિત લહેર ત્રાટકે તે પહેલાં આપણે યોગ્ય સમયે યોગ્ય પગલાં લઈને વ્યક્તિગત અને નાણાકીય મોરચે સુરક્ષિત રહેવા તૈયાર રહેવું જોઈએ.


નાણાકીય સલામત રહેવા શું કરશો


વ્યક્તિગત રીતે સલામત રહેવા માટે આપણે સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવાની સાથે ઘરમાંથી બહાર નીકળતા હંમેશા માસ્ક પહેરવું જોઈએ. બીજીબાજુ નાણાકીય મોરચે કોરોના સામેની લડાઈમાં તમારે ટર્મ ઈન્સ્યોરન્સ પોલિસીથી પોતાને કવર કરીને પરિવારના નાણાકીય ભવિષ્યને સલામત કરવું જોઈએ. ટર્મ લાઈફ ઈન્સ્યોરન્સ પોલિસી વડે પોલિસીધારકના નિધનના સંજોગોમાં તેમના પર નિર્ભર પરિવારજનોને સંપૂર્ણ સમ એશ્યોર્ડ કવરેજ રકમ ચૂકવવામાં આવે છે.  


પોલિસીબજાર.કોમના ટર્મ લાઈફ ઈન્સ્યોરન્સના વડા સાજ્જા પ્રવીણ ચૌધરીએ જણાવ્યું હતું કે, ‘કોરોનાની ત્રીજી લહેર આવે તે પહેલાં ટર્મ લાઈફ ઈન્સ્યોરન્સ પ્લાન ખરીદવો સલાહભર્યું છે, કારણ કે આ પ્રકારની મુશ્કેલીના સમયમાં લાઈફ કવર મેળવવું મુશ્કેલ બની જાય છે. એપ્રિલ 2021માં કોરોનાની બીજી લહેર ચાલતી હતી ત્યારે મોટી સંખ્યામાં ગ્રાહકો ટર્મ પ્લાન ખરીદવા તરફ નજર દોડાવી રહ્યા હતા, પરંતુ આ સમયે તેમના માટે ટર્મ પ્લાન મળવો મુશ્કેલ થઈ ગયો હતો. આ સમયમાં લોકોને અનેક સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો અને એપ્રિલ અને મે 2021ની બીજી લહેર જેવી પરિસ્થિતિ સર્જાય તો ભવિષ્યમાં પણ આવી સમસ્યાઓ સર્જાઈ શકે છે.’


બીજી લહેર દરમિયાન લોકોને શું પડી મુશ્કેલી



  • કોરોનાથી પીડિત ગ્રાહકો ટર્મ પ્લાન ખરીદવા માગતા હતા, પરંતુ ટર્મ પ્લાન ખરીદવા માટે કોરોના થયાની તારીખથી ત્રણ મહિના સુધી તેમણે રાહ જોવી પડી હતી. તેમણે જો કોરોના થતાં પેહલાં ટર્મ ઈન્સ્યોરન્સ ખરીદ્યો હોત તો તેઓ તાત્કાલિક કોરોના સામે કવચ મેળવી શક્યા હોત તેમને રાહ જોવાની જરૂર પડી ન હોત અને બીજી લહેર જેવા જોખમી સમયમાં તણાવથી બચી શક્યા હોત. આજે દેશમાં કોરોનાના કેસનું પ્રમાણ ઓછું છે ત્યારે ટર્મ પ્લાન ખરીદવાનો નિર્ણય સલાહભર્યો છે.

  • ટર્મ ઈન્સ્યોરન્સમાંની અરજી પ્રક્રિયામાં મહત્વની મેડિકલ ટેસ્ટ પ્રક્રિયા પૂરી ન થવી. ટર્મ ઈન્સ્યોરન્સ પ્લાન ઈશ્યુ કરવામાં મેડિકલ ટેસ્ટ એક મહત્વપૂર્ણ પગલું છે, જે ટેલી મેડિકલ અથવા પ્રત્યક્ષ મેડિકલ ટેસ્ટ પ્રક્રિયા મારફત થઈ શકે છે. ટેલી મેડિકલ પ્રક્રિયા ડોક્ટર અને ગ્રાહક વચ્ચે ટેલિફોનિક વાતચીતના આધારે થઈ શકે છે. પ્રત્યક્ષ મેડિકલ ટેસ્ટમાં વ્યક્તિએ મેડિકલ સેન્ટરમાં જવું પડે છે અથવા મેડિકલ સેન્ટરના કર્મચારી સેમ્પલ લેવા માટે તમારા ઘરે આવી શકે છે.

  • કોરોનાની બીજી લહેર પહેલાં ટેલી-મેડિકલ્સ સાથે પ્રત્યેક 100માંથી 50 ગ્રાહકોની અરજી થઈ શકતી હતી જ્યારે બીજી લહેર દરમિયાન ઈન્સ્યોરન્સ કંપનીઓ અને રી-ઈન્સ્યોરર્સ દ્વારા માર્ગદર્શિકાઓમાં ફેરફાર કરવાના પગલે આ પ્રમાણ ઘટીને 100માંથી 30 ગ્રાહકનું થઈ ગયું હતું. તેનો અર્થ એ છે કે ટર્મલ પ્લાન માટે અરજી કરનારા 100 ગ્રાહકોમાંથી 70 ગ્રાહકોએ પ્રત્યક્ષ મેડિકલ ટેસ્ટ મારફત આગળ વધવું પડ્યું હતું.

  • એપ્રિલ અને મે 2021માં પ્રતિબંધોના કારણે પ્રત્યક્ષ મેડિકલ ટેસ્ટ પૂરો થવા માટે લાગતો સમય વધીને 8 દિવસનો થઈ ગયો હતો, જે એપ્રિલ 2021 પહેલાં 4 દિવસ હતો. ઉપરાંત કોરોના કેસ વધી રહ્યા હોવાથી મેડિકલ સેન્ટરમાંથી કોઈ વ્યક્તિ તેમના ઘરે આવે અથવા ગ્રાહકો તેમજ પરિવારના સભ્યો પોતે મેડિકલ સેન્ટરમાં જવા આતુર નહોતા. આ સિવાય કોરોનાના કેસ વધુ હતા ત્યારે મેડિકલ સેન્ટરોમાં કર્મચારીઓ અથવા તેમના પરિવારના સભ્યો પણ કોરોનાથી પીડિત હોવાને કારણે મેડિકલ સેન્ટરોમાં કામનું ભારણ વધી ગયું હતું. જોકે, બીજી લહેર જેવું જ વાતાવરણ ભવિષ્યમાં પણ સર્જાઈ શકે છે.