નવી દિલ્હીઃ વોલમાર્ટની માલિકીની કંપની ફ્લિપકાર્ટે બુધવારે પોતાની વેબસાઇટ પર એક નોટિસ મુકી છે. નોટિસમાં જણાવ્યા અનુસાર, ભારતમાં કોરોના વાયરસની મહામારીના કારણે 21 દિવસનું લોકડાઉનને જોતા કંપનીએ પોતાની તમામ સેવાઓ હાલમાં બંધ કરી દીધી છે. Flipkart એ એપ અને વેબસાઇટ પર સર્ચ ઓપ્શનમાં તમામ પ્રોડક્ટ્સને આઉટ ઓફ સ્ટોક કરી દીધી છે. કંપનીએ કહ્યું કે, તમારી જરૂરિયાતો અમારા માટે મહત્વની છે અને અમારું વચન છે કે અમે જલદી તમારી સેવામાં હાજર થઇશું.



જોકે, ફ્લિપકાર્ટ ફરીથી ક્યારે પોતાનું કાર્ય શરૂ કરશે તેને લઇને જોઇ જાણકારી આપી નહોતી.  કંપનીએ એક નિવેદનમાં કહ્યું કે, આ મુશ્કેલ સમય છે, આવું અગાઉ થયું નથી. આ અગાઉ સમાજને સુરક્ષિત રાખવા માટે ક્યારેય લોકડાઉનમાં રહ્યા નથી. આ અગાઉ રાષ્ટ્રની મદદ માટે લોકો ઘરમાં ક્યારેય રહ્યા નથી.

નોંધનીય છે કે આ અગાઉ ઇ-કોમર્સ કંપની અમેઝોન ઇન્ડિયાએ મંગળવારે કહ્યું કે તેમણે અસ્થાયી રીતે ઓર્ડર લેવાનું બંધ કરી દીધું છે અને કોરોના વાયરસ સામે લડવા દેશભરમાં લોકડાઉન દરમિયાન બિનજરૂરી ચીજોની શિપમેન્ટ રોકી દેવામાં આવી છે કારણ કે તે ફક્ત જરૂરી ચીજવસ્તુઓ, હાઇજીન પ્રોડક્ટસની ડિવિલરી પર ધ્યાન આપી રહી છે.

આ અગાઉ ટ્વિટર પર દેશના વિવિધ હિસ્સામાં એ રિપોર્ટ વહેતા થયા હતા કે પોલીસકર્મી ગ્રોફર્સ અને બિગ બાસ્કેટના ડિલિવરી પાર્ટનર્સને  પરેશાન કરી રહ્યા છે. નોંધનીય છે કે દેશમાં 25 માર્ચથી આગામી 21 દિવસ સુધી લોકડાઉન રહેશે.