Crude Oil Price: મોંઘવારીથી પીડાઈ રહેલા ભારત માટે મોટી રાહતના સમાચાર છે. ક્રૂડ ઓઈલની કિંમત 2022ના સૌથી નીચા સ્તરે પહોંચી ગઈ છે. વૈશ્વિક આર્થિક સંકટના પગલે સેન્ટિમેન્ટમાં કથળતા બ્રેન્ટ ક્રૂડ ઓઈલની કિંમત પ્રતિ બેરલ 80 ડોલર નીચે પહોંચી ગઈ છે. બ્રેન્ટ ક્રૂડ ઓઈલની કિંમત 78.65 ડોલર પ્રતિ બેરલ પર ટ્રેડ થઈ રહી છે. તો WTI ક્રૂડની કિંમત ઘટીને 73.49 ડોલર પ્રતિ બેરલ થઈ ગઈ છે.


ક્રૂડ ઓઈલ 80 ડોલરની નીચે 


2022માં આ બીજી વખત વાર બન્યું છે જ્યારે બ્રેન્ટ ક્રૂડ ઓઈલ પ્રતિ બેરલ 80 ડોલરની નીચે સરકી હોય. ફેડરલ રિઝર્વના વ્યાજદરમાં વધારો થવાની શક્યતા અને મંદીના એંધાણના કારણે ક્રૂડ ઓઈલમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે. વિશ્વભરની કેન્દ્રીય બેંકોની કડક નાણાકીય નીતિની પણ અસર વર્તાઈ રહી છે. ભારતમાં ઊંચા ફુગાવાના કારણે આરબીઆઈએ રેપો રેટમાં પાંચમી વખત વધારો કર્યો હતો. બીજી તરફ ચીનમાં સર્વિસ-સેક્ટરની પ્રવૃત્તિ ઘટી 6 મહિનાની નીચલી સપાટીએ પહોંચી ગઈ છે. તેથી ઉર્જાના ઊંચા ભાવ અને ઊંચા દેવાના કારણે યુરોપના દેશોમાં આર્થિક વિકાસ દરમાં મોટો ઘટાડો થવાની સંભાવના છે. આ તમામ કારણોને લીધે કાચા તેલ પર દબાણ જોવા મળી રહ્યું છે. ચાલુ નાણાંકિય વર્ષમાં રશિયા-યુક્રેન યુદ્ધના કારણે ક્રૂડ ઓઈલ 139 ડોલર પ્રતિ બેરલના સ્તરે પહોંચી ગયું હતું. 


નાણાકીય નુકસાન ઘટશે


કાચા તેલમાં ઘટાડો એ ભારત માટે શુભ સંકેત તરીકે જોવામાં આવી રહી છે. કારણ કે ભારત તેની જરૂરનું 80 ટકા ક્રૂડ ઓઈલની આયાત કરે છે. જ્યાં કાચા તેલની કિંમતોમાં ઘટાડો મોંઘવારી ઘટાડવામાં પણ મદદરૂપ બની શકે છે. સાથે જ કેન્દ્ર સરકારને તેની નાણાકીય ખાધ ઘટાડવામાં પણ મદદ મળશે. તેવી જ રીતે વિદેશી હૂંડિયામણ ભંડોળમાં થતા ઘટાડો પણ અટકશે.


પેટ્રોલ ડીઝલના ભાવમાં થઈ શકે છે ઘટાડો 


ક્રૂડ ઓઈલની કિંમતોમાં ઘટાડાના કારણે ગ્રાહકોને મોટો ફાયદો મળી શકે છે. સરકારી તેલ કંપનીઓ આગામી દિવસોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો કરી શકે છે. જો ડીઝલના ભાવ ઘટશે તો માલભાડું સસ્તું થશે, જેના કારણે અનેક ચીજવસ્તુઓની કિંમતો પર તેની અસર જોવા મળી શકે છે. અને સરવાળે મોંઘવારી ઘટશે.