Rererv Bank Of India : 2000 રૂપિયાની નોટોને ચલણમાંથી પાછી ખેંચી લેવાનો રિઝર્વ બેંકનો નિર્ણય વપરાશને પ્રોત્સાહન આપીને ચાલુ નાણાકીય વર્ષમાં આર્થિક વિકાસ દરને 6.5 ટકાથી આગળ લઈ જવા માટે મદદરૂપ સાબિત થઈ શકે છે. એટલે કે આ નિર્ણય ઈકોનોમી બુસ્ટનું કામ કરી શકે છે. આ મૂલ્યાંકન સોમવારે જાહેર કરાયેલા એક અહેવાલમાં રજૂ કરવામાં આવ્યું હતું. 


દેશની સૌથી મોટી ધિરાણકર્તા સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI)ના અર્થશાસ્ત્રીઓએ એક અહેવાલમાં જણાવ્યું છે કે, નાણાકીય વર્ષ 2023-24ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં વાસ્તવિક જીડીપી વૃદ્ધિ 8.1 ટકા રહેશે. જેથી આરબીઆઈનો સમગ્ર નાણાકીય વર્ષ દરમિયાન 6.5 ટકા વૃદ્ધિનો અંદાજ પણ પાછળ છૂટી શકે છે.


શું કહે છે SBI રિપોર્ટ?


SBIના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, 2000 રૂપિયાની નોટો પાછી ખેંચવાની અસરને કારણે એપ્રિલ-જૂન ક્વાર્ટરમાં વૃદ્ધિ દર 8.1 ટકા રહેવાની અમને આશા છે. આ અમારા એ અંદાજની પુષ્ટિ કરે છે કે, નાણાકીય વર્ષ 2023-24માં જીડીપી વૃદ્ધિ આરબીઆઈના 6.5 ટકાના અંદાજ કરતાં વધુ હોઈ શકે છે. તેમાંથી 85 ટકા નોટો બેંકોમાં જમા કરાવવાના રૂપમાં આવી હતી, જ્યારે 15 ટકા નોટો બેંકના કાઉન્ટર પર અન્ય મૂલ્યોની નોટો માટે બદલાઈ હતી.


2000 રૂપિયાની નોટ


એસબીઆઈએ તેના અહેવાલમાં જણાવ્યું હતું કે, કુલ રૂ. 3.08 લાખ કરોડ રૂ. 2,000ની નોટોના રૂપમાં સિસ્ટમમાં જમા તરીકે પરત આવશે. તેમાંથી લગભગ 92,000 કરોડ રૂપિયા બચત ખાતામાં જમા થશે જેમાંથી 60 ટકા એટલે કે લગભગ 55,000 કરોડ રૂપિયા ઉપાડ્યા પછી લોકો સુધી ખર્ચ માટે પહોંચશે. રિપોર્ટ અનુસાર, ખપતમાં ગુણક વધારાને કારણે લાંબા ગાળે આ કુલ વધારો 1.83 લાખ કરોડ રૂપિયા સુધીનો હોઈ શકે છે.


આરબીઆઈના અર્થશાસ્ત્રીઓનો શું છે અંદાજ? 


SBIના અર્થશાસ્ત્રીઓનું માનવું છે કે, RBIના નોટો પાછી ખેંચવાના પગલાથી મંદિરો અને અન્ય ધાર્મિક સંસ્થાઓને દાનમાં પણ વધારો થવાની ધારણા છે. આ ઉપરાંત ટકાઉ કન્ઝ્યુમર ગુડ્સ અને બુટિક ફર્નિચરની ખરીદીને પણ વેગ મળશે.


નોટબંદી


ગત મહિને જ ભારતીય રિઝર્વ બેંકે રૂપિયા 2000ની નોટને ચલણમાંંથી પાછી ખેંચી લીધી હતી. આ બાબતે ખુલાસો કરતા આરબીઆઈ ગવર્નર કહ્યું હતું કે, મને સ્પષ્ટતા કરવા દો અને ફરીથી ભારપૂર્વક જણાવવા દો કે તે રિઝર્વ બેંકની ચલણ વ્યવસ્થાપન કામગીરીનો એક ભાગ છે... લાંબા સમયથી, રિઝર્વ બેંક સ્વચ્છ નોટ નીતિને અનુસરી રહી છે. સમય સમય પર આરબીઆઈ ચોક્કસ શ્રેણીની નોટો પાછી ખેંચી લે છે અને નવી નોટો બહાર પાડે છે. અમે 2000 રૂપિયાની નોટો ચલણમાંથી પાછી ખેંચી રહ્યા છીએ પરંતુ તે લિગલ ટેન્ડર તરીકે ચાલુ રહશે.