મુંબઈ: રિઝર્વ બેંક સોમવારે 16 માર્ચથી ડેબિટ-ક્રેડિટ કાર્ડને લગતા નવા નિયમોનો અમલ કરવા જઈ રહી છે. જેમની પાસે ક્રેડિટ કાર્ડ અને ડેબિટ કાર્ડ હોય તેમણે આ નિયમો જાણી લેવા જરૂરી છે કેમ કે આ નિયમો તમામ ડેબિટ-ક્રેડિટ કાર્ડને લાગુ પડશે અને તેમાં રિ-ઈસ્યૂ કાર્ડનો પણ સમાવેશ થાય છે.



હાલના નિયમ અનુસાર કોઈ પણ ડેબિટ-ક્રેડિટ કાર્ડનો એટીએમ, પોઈન્ટ ઓફ સેલ ટર્મિનલ, ઓનલાઈન ટ્રાન્ઝેક્શન તેમજ કોન્ટેક્ટલેસ અને ઈન્ટરનેશનલ ટ્રાન્ઝેશક્શન માટે ઉપયોગ થઈ શકે છે. નવા નિયમ અનુસાર હવે ડેબિટ-ક્રેડિટ કાર્ડમાં ફક્ત એટીએમ અને પોઈન્ટ ઓફ સેલ ટર્મિનલ પર ઉપયોગ કરવાની સુવિધા મળશે. તમારે ઓનલાઈન, કોન્ટેક્ટલેસ કે ઈન્ટરનેશનલ ટ્રાન્ઝેક્શનની સેવા જોઈતી હોય તો તમારા કાર્ડ પર તે સેવા ચાલુ કરાવવી પડશે.



હાલમાં આ સેવા કાર્ડની સાથે જ ગ્રાહકોને આપોઆપ મળી જાય છે, પરંતુ હવે ગ્રાહક માંગશે તો જ આ સેવા શરૂ થશે. ગ્રાહકો કોઈ પણ સેવા 24x7 મોબાઈલ એપ્લિકેશન, ઈન્ટરનેટ બેંકિંગ, એટીએમ કે ઈન્ટરએક્ટિવ વોઈસ રિસ્પોન્સ થકી શરૂ કરાવી શકશે. આ સાથે સ્વિચ ઑન કે સ્વિચ ઑફ પણ કરી શકશે. ગ્રાહકો પોતાના કાર્ડ દ્વારા ટ્રાન્ઝેક્શનની લિમિટ પણ નક્કી કરી શકશે અને તે બદલી પણ શકશે.