પાંચ દિવસ ચાલનાર દિવાળીના મહાપર્વની શરૂઆત ધનતેરસથી થાય છે. ધનતેરસના પર્વ પર માતા લક્ષ્મી, ભગવાન ધન્વંતરિ અને ભગવાન કુબેરની પૂજા કરવામાં આવે છે. આ પર્વને ધન-ધાન્ય અને સુખ સમૃદ્ધિમાં વૃદ્ધિ કરનાર માનવામાં આવે છે. ધનતેરસનું પર્વ કૃષ્ણાપક્ષની તેરસે મનાવવામાં આવે છે. આ વર્ષે 13 નવેમ્બરે ધનતેરસ મનાવવામાં આવશે.


સોનું-ચાંદી ખરીદવાના શુભ મુહૂર્ત

ધનતેરસના પર્વ પર સોનું-ચાંદી અને વાસણ ખરીદવાનું શુભ માનવામાં આવે છે. જણાવીએ કે, આ દિવસે સોનું-ચાંદી પણ વિશેષ મુહૂર્તમાં ખરીદવામાં આવે છે. જ્યોતિષાચાર્યો અનુસાર આ વર્ષે ધનતેરસ (13 નવેમ્બર) પર સવારે 6 કલાકે અને 42 મિનિટથી સાંજે 5 કલાક 59 મિનિટ સુધી સોનું ખરીદવા માટે શુભ મુહૂર્ત છે. એટલે કે 11 કલાક 16 મિનિટ સુધીના ગાળામાં સોનું ખરીદવું શુભ છે. આ શુભ સમય પર સોનું ખરીદીને ઘરમાં સુખ-શાંતિ અને સમૃદ્ધિ રહે છે. એવું પણ કહેવાય છે કે, શુભ મુહૂર્તમાં ખરીદી કરવાથી માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે. જેના કારણે ધનમાં 13 ગણો વધારો થાય છે.

ધનતેરસના દિવસે શું ખરીદવું અને શું નહીંઃ

ચાંદીનાં વાસણ કે ચાંદી ખરીદવાથી ઘરમાં શાંતિ આવે છે અને ક્લેશ દૂર થાય છે. સોનું ખરીદવાથી સૌંદર્ય અને સમૃદ્ધિ વધે છે. ઘરમાં જો ધનતેરસના દિવસે તાંબાનાં વાસણ લાવવામાં આવે તો ધર્મ અને પુણ્યની વૃદ્ધિ થાય છે. આ દિવસે માટીથી બનેલાં વાસણો અને દીવો પણ ખરીદવો શુભ માનવામાં આવે છે. આ દિવસે પ્રોપર્ટીને લગતું રોકાણ અથવા લેવડ-દેવડ કરવું પણ શુભ માનવામાં આવે છે.

પંડિત મિશ્રના જણાવ્યા પ્રમાણે, ધનતેરસના દિવસે લોખંડથી બનેલાં વાસણ ખરીદવા જોઇએ નહીં. માન્યતા છે કે આ શુભ દિવસે અણીદાર સામાન, જેમ કે છરી, કાતર જેવી વસ્તુઓ પણ ખરીદવી જોઇએ નહીં. આ દિવસે કાચ અને પ્લાસ્ટિકથી બનેલો સામાન ખરીદવાથી બચવું જોઇએ.