નવી દિલ્હીઃકેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર ઇન્કમ ટેક્સમાં મોટી રાહત આપી શકે છે. એક રિપોર્ટ અનુસાર, ડાયરેક્ટ ટેક્સ કોડ પર બનેલી સમિતિએ મધ્યમવર્ગને ઇન્કમ ટેક્સમાં રાહત આપવાની ભલામણ કરી છે. જો આ ભલામણો લાગુ કરવામાં આવશે તો મધ્યમ વર્ગ પર ટેક્સનો બોજ ઘટી શકે છે.
નોંધનીય છે કે ડાયરેક્ટ ટેક્સ કોડ (DTC) પર બનેલી સમિતિએ પર્સનલ ઇન્કમ ટેક્સના દરોમાં ફેરફારની ભલામણ કરી છે જેથી ટેક્સ ચોરીમાં ઘટાડો લાવવામાં આવી શકે છે. પર્સનલ ટેક્સની દરોના મામલામાં સમિતિએ 5,10 અને 20 ટકાના ત્રણ સ્લેબની ભલામણ કરી છે જ્યારે હાલમાં 5,20 અને 30 ટકાના દરથી ઇન્કમ ટેક્સ વસૂલવામાં આવે છે.
આ ભલામણ અનુસાર, 2.5 લાખ સુધી કોઇ ટેક્સ નહી જ્યારે 5-10 લાખ સુધી ફક્ત 10 ટકા ઇન્કમ ટેક્સની ભલામણ કરી છે. તે અનુસાર 10થી 20 લાખ વાર્ષિક આવક સુધી 20 ટકા જ્યારે 20 લાખથી 2 કરોડ સુધી 30 ટકા ઇન્કમ ટેક્સની ભલામણ કરી છે. 2 કરોડ વાર્ષિક કમાણીથી ઉપર 35 ટકા ઇન્કમ ટેક્સની ભલામણ કરવામાં આવી છે.
નોંધનીય છે કે ડાયરેક્ટ ટેક્સમાં સુધાર માટે બનેલી ટાસ્ક ફોર્સે છેલ્લા સપ્તાહમાં નાણામંત્રી નિર્મલા સીતારમણને પોતાની રિપોર્ટ સોંપી હતી. ટાસ્ક ફોર્સે સામાન્ય લોકો માટે ઇન્કમ ટેક્સની દરો અને સ્લેબમાં ફેરફાર કરવાની ભલામણ કરી છે.