LPG Cylinder Price Hike: દેશમાં પહેલાથી જ મોંઘવારીથી પરેશાન સામાન્ય માણસને વધુ એક ઝટકો આપ્યો છે. ઘરેલુ એલપીજી સિલિન્ડરની કિંમતમાં આજથી 50 રૂપિયાનો વધારો થયો છે. ઘરેલુ એલપીજી સિલિન્ડરની નવી કિંમત હવે 999.50 રૂપિયા પ્રતિ સિલિન્ડર થશે. એલપીજી સિલિન્ડરની વધેલી કિંમત આજથી જ આખા દેશમાં લાગુ થઈ ગઈ છે. એલપીજી સિલિન્ડરની કિંમત એવા સમયે વધી છે જ્યારે સામાન્ય માણસ પેટ્રોલ અને ડીઝલની મોંઘવારીનો સામનો કરી રહ્યો છે.






ઘરેલુ એલપીજી સિલિન્ડરના ભાવમાં ફરી વધારો થયો છે


ઉલ્લેખનીય છે કે  આ પહેલા 22 માર્ચે ઘરેલુ એલપીજીની કિંમતમાં 50 રૂપિયા પ્રતિ સિલિન્ડરનો વધારો કરવામાં આવ્યો હતો, ત્યારબાદ દિલ્હીમાં સબસિડીવાળા 14.2 કિલોના એલપીજી સિલિન્ડરની કિંમત 949.50 રૂપિયા પર પહોંચી ગઈ હતી. હવે ફરી એકવાર લોકો મોંઘવારીથી ત્રસ્ત થયા છે. હવે કિંમતમાં વધારા બાદ ઘરેલુ એલપીજી સિલિન્ડરની કિંમત 999.50 રૂપિયા પર પહોંચી ગઈ છે.


નોંધનીય છે કે આ મહિનાની શરૂઆતમાં કોમર્શિયલ એલપીજી સિલિન્ડરની કિંમતોમાં પણ વધારો કરવામાં આવ્યો હતો. ઓઈલ કંપનીઓએ 1 મેના રોજ 19 કિલોના કોમર્શિયલ એલપીજી સિલિન્ડરની કિંમત 102.50 રૂપિયા વધારીને 2355.50 રૂપિયા કરી હતી. અગાઉ કોમર્શિયલ એલપીજી સિલિન્ડરની કિંમત 2253 રૂપિયા હતી. તેમજ 5 કિલોના એલપીજી કોમર્શિયલ સિલિન્ડરની કિંમત વધારીને 655 રૂપિયા કરી દેવામાં આવી છે. આ પહેલા એપ્રિલની શરૂઆતમાં 19 કિલોના કોમર્શિયલ સિલિન્ડરની કિંમતમાં 250 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો. જે બાદ આ કિંમત વધારીને 2,253 રૂપિયા કરવામાં આવી હતી.