PM Modi America Visit : વડાપ્રધાન નરેન્દ્ર મોદી તાજેતરમાં જ અમેરિકાના પ્રવાસેથી પરત ફર્યા છે. આ યાત્રા દરમિયાન ભારતને સેમિકન્ડક્ટર, જેટ એન્જિન ટેક્નોલોજી અને ટેસ્લા દ્વારા ભારતમાં રોકાણની ખાતરી જેવી ભેટ મળી છે. સાથે જ અમેરિકાને પણ ઘણો ફાયદો થયો છે. હવે સુકો મેવો ખાવાના શોખીનોને પણ ભારે લાભ થશે. 


ભારતે અમેરિકાથી આયાત થતા 8 સામાન પરની કસ્ટમ ડ્યુટી હટાવવાનો નિર્ણય લીધો છે. તેમાં ચણા, દાળ, સફરજન, અખરોટ અને બદામનો સમાવેશ થાય છે. ભારતે વર્ષ 2019માં અમેરિકાથી આવતા આ સામાન પર કસ્ટમ ડ્યુટી લગાવી હતી. તેનું કારણ ભારતમાંથી નિકાસ કરવામાં આવતા સ્ટીલ અને એલ્યુમિનિયમ જેવા ઉત્પાદનો પર અમેરિકાની ડ્યુટી વધારવાનું હતું. એજન્સીએ સૂત્રોના હવાલાથી આ માહિતી આપી છે.


ભારતે આ નિર્ણય લીધો ત્યારે અમેરિકામાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું શાસન હતું. ત્યારબાદ તેમણે અમેરિકા માટે અપનાવેલી વેપાર નીતિએ ભારતને 'મનપસંદ દેશ'ની શ્રેણીમાંથી બહાર કાઢી નાખ્યું હતું. જોકે તે જ સમયે ચીન સાથે અમેરિકાનું 'ટ્રેડ વોર' પણ શરૂ થયું હતું.


PM મોદીની મુલાકાતથી આવ્યો ઉકેલ
 
તાજેતરમાં જ જ્યારે પીએમ નરેન્દ્ર મોદી અમેરિકી પ્રમુખ જો બાઈડેનના આમંત્રણ પર 'સ્ટેટ વિઝિટ' માટે ગયા હતા. ત્યારે બંને દેશો વિશ્વ વેપાર સંગઠન (WTO) સંબંધિત 6 વિવાદોને સમાપ્ત કરવા માટે સંમત થયા હતા. આ દરમિયાન ભારતે પણ જવાબી કાર્યવાહીમાં અમેરિકન ઉત્પાદનો પર લગાવવામાં આવેલી ડ્યુટી હટાવવા માટે સંમતિ દર્શાવી છે.


વર્ષ 2018માં રાષ્ટ્રીય સુરક્ષાને ટાંકીને અમેરિકાએ ભારતમાંથી આયાત થતા સ્ટીલ ઉત્પાદનો પર 25 ટકા અને એલ્યુમિનિયમ ઉત્પાદનો પર 10 ટકા ઈમ્પોર્ટ ડ્યુટી લાદવાનો નિર્ણય લીધો હતો. તેના જવાબમાં જૂન 2019માં ભારતે અમેરિકાના 28 ઉત્પાદનો પર ઈમ્પોર્ટ ડ્યુટી લાદી હતી. હવે આ વધારાની ઈમ્પોર્ટ ડ્યુટી હટાવવાના ભારતના નિર્ણય બાદ આ 8 અમેરિકન ઉત્પાદનોને દેશમાં ફક્ત મોસ્ટ ફેવર્ડ કન્ટ્રી (MFN)ના વર્તમાન દરના આધારે જ વસૂલવામાં આવશે.


ઉત્પાદનો 90 દિવસ બાદ સસ્તા મળી રહેશે 


સરકારે આગામી 90 દિવસમાં અમેરિકન ઉત્પાદનો પરના આ ટેરિફને તબક્કાવાર રીતે દૂર કરવાનો નિર્ણય લીધો છે. અમેરિકાની મુલાકાત દરમિયાન થયેલા કરાર મુજબ હવે ભારતમાં અમેરિકન ચણા પર 10 ટકા, કઠોળ પર 20 ટકા, તાજી અથવા સૂકી બદામ પર 7 રૂપિયા પ્રતિ કિલો, છાલવાળી બદામ પર 20 રૂપિયા પ્રતિ કિલો, અખરોટ પર 20 ટકા, તાજા સફરજન 20 ટકાથી વધુ, બોરિક એસિડ પર 20 ટકા અને ડાયગ્નોસ્ટિક રીએજન્ટ પર 20 ટકા વધારાની ડ્યુટી દૂર કરવામાં આવશે.


અમેરિકા ભારત માટે સૌથી મોટું વેપારી ભાગીદાર છે. ગયા નાણાકીય વર્ષમાં બંને દેશો વચ્ચે માલસામાનનો વેપાર વધીને $128.8 બિલિયન થયો હતો. નાણાકીય વર્ષ 2021-22માં તે $119.5 બિલિયન હતું. સફરજન માટે ભારત વોશિંગ્ટનનું બીજું નિકાસ બજાર છે.


https://t.me/abpasmitaofficial