નવી દિલ્હીઃ કોરોના વાયરસના કારણે હાલ દેશમાં લોકડાઉન લાગુ કરવામાં આવ્યું છે. જેના કારણે દેશમાં તમામ ગતિવિધિ બંધ છે. લોકડાઉનથી વાહન કંપનીઓનું ઉત્પાદન અને વેચાણ નેટવર્ક પૂરી રીતે બંધ રહ્યું છે. આ દરમિયાન કંપનીઓ માત્ર કેટલાક વાહનોની નિકાસ જ કરી રહી છે.


મારુતિ સુઝુકી અને હ્યુન્ડાઈ સહિત ભારતની ટોચની કાર નિર્માતા કંપનીઓ લોકડાઉનના કારણે એપ્રિલમાં એક પણ ગાડી વેચી શકી નહોતી. આ વાતની જાણકારી કંપનીઓએ શુક્રવારે આપી હતી. એક મહિનામાં કંપનીએ એક પણ વાહન વેચી શકી ન હોય તેવું પ્રથમ વખત બન્યું હતું.

મારુતિ સુઝુકી ઈન્ડિયા, હ્યુન્ડાઈ મોટર ઈન્ડિયા લિમિટેડ, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, ટોયોટા કિર્લોસ્કર મોટર અને એમજી મોટર ઈન્ડિયાનું એપ્રિલ મહિનાનું વેચાણ શૂન્ય રહ્યું હતું. આ કંપનીઓએ માર્ચ મહિનામાં લોકડાઉન લાગુ થયું તે પહેલા જ પ્લાન્ટમાં કાર્ય સ્થગિત કરી દીધું હતું.

હ્યુન્ડાઈ મોટર્સે એક નિવેદનમાં જણાવ્યું, "કોરોના વાયરસના પ્રસારને રોકવા લાગુ કરવામાં આવેલા લોકડાઉનના કારણે એપ્રિલમાં તેમનું ઘરેલુ વેચાણ શૂન્ય રહ્યું છે. જ્યારે આ ગાળામાં કંપનીએ 1341 વાહનોની નિકાસ કરી હતી."

મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાના વ્હીકલ્સ ડિપાર્ટમેન્ટના સીઈઓ વિજય નાકરાએ એક નિવેદનમાં કહ્યું, "અમે અમારા તમામ હિતધારકો, ખાસ કરીને ડીલરો સાથે મળીને કામ કરી રહ્યા છીએ. લોકડાઉન પૂરુ થયા બાદ કામકાજને સરળતાથી ફરી શરૂ કરી શકાય તેવો અમારો હેતુ છે. બંધના કારણે એપ્રિલ મહિનામાં ઘરેલુ બજારમાં તેમનું એક પણ વાહન વેચાયુ નથી."