નવી દિલ્હીઃ કોરોના વાયરસ સામે ભારતની લડાઇમાં કેન્દ્ર ને રાજ્ય સરકારો અનેક પ્રકારના પગલાં લઇ રહી છે. દેશના 23 રાજ્યોમાં આંશિક કે પૂર્ણ લોકડાઉન કરી દેવામાં આવ્યું છે. લોકડાઉનના કારણે લોકોની જરૂરિપાયની સેવાઓમાં છૂટ આપવામાં આવી છે પરંતુ જરૂરી કામ હોય તો જ ઘરની બહાર નીકળવાની સલાહ આપવામાં આવી છે. લોકડાઉનના કારણે દેશમાં ઘણી ચીજવસ્તુઓના ભાવમાં વધારો થયો છે.


શાકભાજી થયા મોંઘાઃ કોરોના વાયરસના કારણે લોકડાઉનની કરવામાં આવેલી જાહેરાતના પગલે શાકભાજીના ભાવમાં વધારો થયો છે. લોકો શાકભાજીનો સંગ્રહ કરવા લાગ્યા છે. પૂરવઠાની સામે માંગમાં જોરદાર વધારો થયો છે. ડુંગળી અને બટાકાના ભાવમાં લગભગ બમણો વધારો થયો છે. આ ઉપરાંત તમામ શાકભાજી, ફળો પહેલાની તુલનામાં મોંઘા થઈ ગયા છે.

માસ્ક અને સેનિટાઇઝર મોંઘાઃ કોરોનાની અસર ભારતમાં શરૂ થવાની સાથે જ માસ્ક અને સેનિટાઇઝરનો ઉપાડ વધી ગયો હતો. જેને લઈ માસ્ક અને સેનિટાઇઝરની કિંમત પહેલાથી વધી ગઈ હતી પરંતુ તાજેતરમાં સરકારે માસ્ક અને સેનિટાઇઝરની કિંમત માટે માપદંડ નક્કી કર્યા છે. જે બાદ તેના ભાવમાં આવી રહેલી તેજી પર થોડા અંશે લગામ લાગી છે.

દૂધ પણ થયું મોંઘુઃ લોકડાઉનના કારણે દેશના અનેક વિસ્તારોમાં લોકો માટે દૂધ સૌથી વધારે પરેશાનીનું કારણ બન્યું છે. લોકો દૈનિક જરૂરિયાત કરતાં બેથી ત્રણ ગણું દૂધ ખરીદીને સંગ્રહ કરી રહ્યા છે. ડેરીઓમાં દૂધનો સ્ટોક આવતાં  જ ખતમ થઈ જાય છે, જેનો લાભ ઉઠાવીને છૂટક દૂધ વેચતા લોકોએ ભાવમાં વધારો કરી દીધો છે.

રાશનની કિંમત વધીઃ દેશમાં અનેક દુકાનો પર લોકો બે-બે મહિના સુધી ચાલે તેટલું રાશન ખરીદી રહ્યા છે અને તેના કારણે રસોઈના સામાની કિંમતમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. જે દુકાનદાર છૂટક રાશન વેચે છે તેમણે ભાવમાં વધારો કરી દીધો છે.

રાજસ્થાનમાં પેટ્રોલ-ડીઝલ મોંઘાઃ રાજસ્થાનમાં ગેહલોત સરકારે પેટ્રોલ અને ડીઝલ પર વેટમાં ચાર ટકાનો વધારો કર્યો છે. જે બાદ રાજ્યમાં ઈંધણના ભાવ વધ્યા છે. શનિવાર રાતથી આ વધારો લાગુ થઈ ચુક્યો છે. જેના કારણે પેટ્રોલ  આશરે 2.80 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ  2.50 રૂપિયા લીટર મોંઘું થયું છે.