મુંબઈઃ ભારતીય શેરબજારોમાં આજે સોમવારે પણ કડાકો ચાલુ રહ્યો હતો. શેરબજાર ખૂલતાં જ ભારે વેચવાલી હેઠળ સેન્સેક્સમાં કડાકો બોલી ગયો હતો. શરૂઆતના અડધા કલાકમાં જ સેન્સેક્સ 2991 પોઈન્ટ ઘટી જતાં 10% મંદીની લોઅર સર્કિટ લાગી છે અને 45 મિનિટ માટે ટ્રેડિંગ રોકવામાં આવ્યું છે.


આજે શેરબજારમાં શરૂઆતથી જ ભારે ઘટાડો જોવા મળ્યો હતો અને સેન્સેક્સમાં પહેલા જ 2400 પોઈન્ટનો કડાકો બોલી ગયો હતો. એ પછી ઘટાડો ચાલુ રહેતાં સેન્સેક્સ 2991 અંક ઘટી ગયો હતો. નિફ્ટી 694 પોઈન્ટ ઘટી 8116 પર આવી ગયો છે. સેન્સેક્સ પર બજાજ ઓટો, એક્સિસ બેન્ક, મારૂતિ સુઝુકી, અલ્ટ્રાટેક સિમેન્ટ અને આઈસીઆઈસીઆઈ બેન્ક સહિતના શેરો ઘટીને કારોબાર કરી રહ્યાં છે.

સરકાર અને આરબીઆઈ દ્વારા ઉઠાવવામાં આવેલા પગલા તેમજ શોર્ટ કવરિંગના કારણે શુક્રવારે બજાર ભારે વધારા સાથે બંધ થયું હતું. સેન્સેક્સ 1627.73 અંક વધીને 29915 અને નિફ્ટી 482 અંક વધીને 8749 પર બંધ થયો હતો. અમેરિકાના બજારોમાં ભારે ઘટાડો રહ્યો હતો. ડાઉ જોન્સ 913 અંકના ઘટાડા સાથે 19174 પર બંધ થયો હતો. નેસ્ડેક કંપોઝિટ 271 અંક ઘટીને 6879 પર બંધ થયો હતો. એસએન્ડપી 104 અંક ઘટીને 2304 પર બંધ થયો હતો.