સાતમ આઠમના તહેવારો બાદ સિંગતેલના ભાવમાં ભડકો જોવા મળ્યો છે. પ્રજા પર વધુ એક મોંઘવારીનો ડામ પડ્યો છે. ખાદ્યતેલમાં સિંગતેલના ભાવમાં છેલ્લા એક સપ્તાહમાં ડબ્બા દીઠ 100 થી 125 રૂપિયાનો વધારો થતા સિંગતેલના ડબ્બાનો ભાવ પ્રથમવાર 3 હજારને પાર પહોંચ્યો છે.


સરકાર ભલે ફુગાવો ઘટ્યો હોવાનો દાવો કરે પરંતુ, ખાદ્યપદાર્થોની કીમત માર્કેટમાં સતત વધી રહી છે અને તેના કારણે સામાન્ય માણસની કમર તૂટી રહી છે. સરકારે ખાદ્યતેલના ભાવ નિયંત્રણમાં લેવા અનેક જાહેરાતો કરી પરંતુ, તેની કોઈ અસર સ્થાનિક બજારોમાં ક્યાંય જોવા નથી મળી રહી.


મળતી માહિતી પ્રમાણે જાન્યુઆરી ફેબ્રુઆરીમાં પામતેલમાં તીવ્ર તેજી આવતા કપાસિયા અને સિંગતેલના ભાવ એક સપાટીએ આવી ગયા હતા. જેના કારણે ગુજરાતમાં સિંગતેલનો વપરાશ 5 ટકાથી વધીને 25 ટકાએ પહોંચ્યો હતો. પરંતુ, બાદમાં પામતેલના ભાવ ત્રણ દિવસમાં 175 રૂપિયા ઘટતા જ પામતેલનો ડબ્બો 1910-1915એ પહોંચ્યો છે જ્યારે સિંગતેલનો વપરાશ વધતા તેનો ભાવ 3 હજારની ઐતિહાસિક સપાટીએ પહોંચ્યો છે.


સૌરાષ્ટ્રમાં મગફળીનો નવો પાક નવરાત્રી પછી માર્કેટમાં આવે છે. જેને લઈ હાલ મગફળીની તંગી ઉભી થઈ છે અને ભાવમાં વધારો ઝીંકાયો છે. આ સ્થિતિમાં ટેકાના ભાવે ખરીદી કરનાર સરકારની એજન્સી નાફેડે બજારમાં માલ છુટો કરવો જોઈએ. નાફેડ પાસે અંદાજે 50 હજાર ટન મગફળી સ્ટોકમાં પડી છે.


સારો વરસાદ, ઊંચા ભાવ છતાંય મગફળીના વાવેતરમાં સરેરાશ 10 ટકા ઘટાડો થયો છે અને 17 લાખ હેક્ટર આસપાસ વાવેતર કરવામાં આવ્યું છે. એકધારા વરસાદના કારણે સીઝન લેટ થશે તેમજ મગફળી મળતી ન હોવાથી ગુજરાતની 90 ટકા મિલ પણ ગ્રહણ લાગવાથી બજારમાં તેની અસર વર્તાઈ છે.


તેલ કંપનીઓ ખાદ્યતેલના પેકેટ પર યોગ્ય રકમ જણાવે છે, સરકારે લેબલિંગ ફિક્સ કરવા માટે આપ્યો સમય


કેન્દ્ર સરકારે ખાદ્યતેલના ઉત્પાદકો, પેકર્સ, આયાતકારોને તેમના ઉત્પાદનનું વજન એટલે કે ખાદ્ય તેલ વગેરેની જાહેરાત કરવા ઉપરાંત તેની ચોખ્ખી માત્રા તાપમાન વગર જાહેર કરવાની સલાહ આપી છે. ગ્રાહક બાબતોના મંત્રાલયે તેમને ઉત્પાદનના વજનની સાથે તાપમાનનો ઉલ્લેખ કર્યા વિના ચોખ્ખી માત્રા જાહેર કરવાના તેમના લેબલિંગમાં સુધારો કરવાની સલાહ આપી છે.


તેલ કંપનીઓ અને ઉદ્યોગોએ આ નિર્દેશ જારી થયાની તારીખથી છ મહિનામાં એટલે કે 15 જાન્યુઆરી 2023 સુધીમાં આ કામ પૂર્ણ કરવાનું રહેશે. કેન્દ્રએ ખાદ્યતેલ ઉત્પાદકોને તેમના ઉત્પાદનના વજનની ઘોષણા કરવા ઉપરાંત તાપમાન વિના ચોખ્ખો જથ્થો જાહેર કરવા કહ્યું છે અને આ માટે પાંચ મહિનાનો સમય આપ્યો છે.