વિશ્વના સૌથી ધનાઢ્ય વ્યક્તિ એલન મસ્કે મોટું એલાન કરીને સૌને ચોંકાવી દીધા છે. ગઈકાલે એલન મસ્કે જાહેરાત કરી છે કે ટેસ્લા કારને ખરીદવા માટે હવે તેઓ વિશ્વની સૌથી મોટી અને મોંઘી ક્રિપ્ટોકરન્સી બિટકોઈન સ્વીકારશે.
અનરેગ્યુલેટેડ કરન્સી બિટકોઈન ધરાવતા રોકાણકારોને મસ્કે ખુશીના સમાચાર આપતા ટ્વીટ કર્યું કે ટેસ્લાને ખરીદવા માટે ગ્રાહકો બિટકોઈનનો ઉપયોગ કરી શકે છે. અત્રે ઉલ્લેખનીય છે કે ઈલેકટ્રીક કાર બનાવતી કંપની ટેસ્લાએ તાજેતરમાં જ જણાવ્યું હતુ કે તેમણે બિટકોઈનમાં 1.5 અબજ ડોલરનું રોકાણ કર્યું છે.
મસ્કે બીજું એક ટ્વીટ કરીને સ્પષ્ટતા કરી કે અમેરિકાથી બહારના લોકો માટે પણ બિટકોઈન પેમેન્ટ સિસ્ટમ શરૂ કરવામાં આવશે. કંપની માત્ર પેમેન્ટ માટે જ ઈન્ટરનલ અને ઓપન સોર્સ સોફ્ટવેરનો ઉપયોગ કરશે.
આ સમાચારની પણ વૈશ્વિક ક્રિપ્ટો કરન્સીની બજાર પર પોઝિટીવ અસર જોવા મળી હતી.
ક્રિપ્ટો કરન્સીની વિશ્વ બજારમાં ઘટાડાની ચાલ અટકી ભાવ ફરી ઉંચકાઈ આવ્યા હતા. જોકે બજારમાં ગઈકાલે વેપાર-વોલ્યુમ ઘટયું હતું પરંતુ ઘટાડે માનસ લેવાનું રહ્યું હતું.
બિટકોઈનના ભાવ ગઈકાલે મોડી સાંજે પુરા થયેલા 24 કલાકમાં નીચામાં 53575 થી 53580 ડોલર સુધી ટ્રેડ થયા પછી ભાવ ઉછળી ઉંચામાં 57225થી 57230 ડોલર થઈ મોડી સાંજે ભાવ 56820થી 56825 ડોલર રહ્યાના નિર્દેશો હતા.
ભાવ ઉંચકાતાં કુલ માર્કેટ કેપીટલાઈઝેશન આજે 1030 અબજ ડોલરથી વધી 1060 અબજ ડોલર નોંધાયું હતું. પરંતુ વેપાર-વોલ્યુમ જોકે 67થી 68 અબજ ડોલરથી ઘટી આજે 59થી 60 અબજ ડોલર થયાનું વિશ્વ બજારના સૂત્રોએ જણાવ્યું હતું.