નવી દિલ્હી: તમારા પ્રોવિડન્ટ ફંડ (પીએફ) ફંડ પરના વ્યાજ દર અંગે કેન્દ્ર સરકારે એક નિર્ણય કર્યો છે. નાણાંકીય વર્ષ 2019-20 માટેના વ્યાજ દર 8.65 ટકાથી ઘટાડીને 8.50 ટકા કરી દેવામા આવ્યો છે. કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (ઈપીએફઓ)ની સર્વોચ્ચ સંસ્થા સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટી (સીબીટી)ની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટી પીએફ પરના વ્યાજ દર અંગે નિર્ણય લે છે અને આ નિર્ણયને નાણાં મંત્રાલય સાથે સંમત થવાની જરૂર છે.


ઈપીએફઓએ બે નોન-બેંકિંગ ફાઈનાન્સિયલ સંસ્થાઓ (એનબીએફસી)માં આશરે 4,500 કરોડનું રોકાણ કર્યું છે. આમાં દિવાન હાઉસિંગ ફાઈનાન્સ (DHFL) અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર લીઝિંગ અને ફાઈનાન્સિયલ સર્વિસિસ (IL&FS)નો સમાવેશ થાય છે. આ બંનેમાં નાણાંનું તરત પરત આવવાનું મુશ્કેલ છે કારણ કે બંને કંપનીઓ નાદારી ઠરાવની પ્રક્રિયામાંથી પસાર થઈ રહી છે.

ઈપીએફઓએ રૂપિયા 18 લાખ કરોડથી વધુનું રોકાણ કર્યું છે. તેમાંથી 85 ટકા ડેટ માર્કેટમાં અને 15 ટકા ઈટીએફ દ્વારા ઈક્વિટીમાં થાય છે. માર્ચ 2019ના અંતે ઈપીએફઓના ઈક્વિટીમાં કુલ રોકાણ રૂપિયા 74,324 કરોડ હતું અને તે 14.74% પરત આવ્યું છે.