Rice Export Ban Update : દેશભરમાં ટામેટાની કિંમત હાહાકાર મચાવી રહ્યાં છે. ટામેટાના ભાવ એ હદે વધ્યા છે કે, સામાન્ય લોકો માટે તેને ખાવા દુષ્કર તો બન્યા જ છે પણ નાના ફેરિયાઓ ટામેટા વેચવા યે નથી લાવતા. કંઈક આવી જ સ્થિતિ ચોખામાં ના ઉભી થાય તેને લઈ સરકારે અગમચેતી પગલા લીધા છે. 


ભારત સરકારે નોન-બાસમતી ચોખાની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો છે. આ હુકમ તાત્કાલિક અસરથી અમલમાં આવ્યો છે. સરકારે આ અંગે આદેશ જારી કર્યો છે. કેન્દ્ર સરકારે વિલંબિત ચોમાસાના વરસાદને કારણે ખરીફ પાક, ખાસ કરીને ડાંગરને થયેલા નુકસાનને ધ્યાનમાં રાખીને ઉત્પાદનમાં ઘટાડો થવાના ભયને કારણે આ પ્રતિબંધ લાદવાનો નિર્ણય કર્યો છે.


ખાદ્ય અને ગ્રાહક બાબતોના મંત્રાલયના જણાવ્યા અનુસાર, ભારતીય બજારમાં પૂરતી ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા અને સ્થાનિક બજારમાં નોન-બાસમતી ચોખાના વધતા ભાવને રોકવા માટે કેન્દ્ર સરકારે નિકાસ નીતિમાં સુધારો કરવાનો નિર્ણય લીધો છે. નોન-બાસમતી ચોખાની નિકાસ પર તાત્કાલિક અસરથી પ્રતિબંધ મૂકવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, તેને 20 ટકા નિકાસ જકાતમાંથી મુક્ત કરવામાં આવ્યો છે.


સરકારે પોતે સ્વીકાર્યું છે કે, ચોખાના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે. છૂટક બજારમાં છેલ્લા એક વર્ષમાં ચોખાના ભાવમાં 11.5 ટકાનો વધારો જોવા મળ્યો છે, જ્યારે એક મહિનામાં ત્રણ ટકાનો ઉછાળો જોવા મળ્યો છે. જેથી મોદી સરકારે અગમચેતી પગલાના ભાગરૂપે આ નિર્ણય લીધો છે. 


જાહેર છે કે, અમદાવાદ સહિત રાજ્યમાં ચોમાસાનું વિધિવત આગમન થઈ ગયું છે. આ દરમિયાન શાકમાર્કેટમાં આદુ, લીલા મરચા અને કોથમીરના ભાવમાં મોટો ઉછાળો આવ્યો છે. હોલસેલ માર્કેટમાં બેંગ્લોરી આદુનો ભાવ 200 થી 220 રૂપિયા કિલો પહોંચ્યો છે, જ્યારે સતારા આદુનો ભાવ હોલસેલ માર્કેટમાં 160 થી 170 રૂપિયા કિલો છે. રિટેઇલમાં આદુનો ભાવ રૂ. 240 થી 300 સુધી પહોંચ્યો છે.


લીલા તીખા મરચાનો ભાવ હોલસેલ માર્કેટમાં સૌથી ઊંચો નોધાયો છે. હોલસેલ માર્કેટમાં લીલા તીખા મરચા નો ભાવ 100 જ્યારે રિટેઇલ માર્કેટમાં 150 સુધી  પહોંચ્યો છે. કોથમીરનો ભાવ પણ પ્રતિ કિલો રૂ 80 થી 100 સુધી પહોંચ્યો છે. જેના ટામેટા બાદ આદુ, કોથમીર, મરચાના ભાવમાં વધારો થતાં ગૃહિણીઓ પરેશાન થઈ ઉઠી છે.


ગરમ હવામાનની અસર હવે સામાન્ય લોકોના ખિસ્સા પર પણ જોવા મળી રહી છે. છેલ્લા અઠવાડિયા દરમિયાન દેશના ઘણા ભાગોમાં ટામેટાંના ભાવ બમણા થઈ ગયા છે. છૂટક બજારમાં ટામેટાના ભાવ 80 રૂપિયાથી વધીને 120 રૂપિયા પ્રતિ કિલો થઈ ગયા હતા. બીજી તરફ ટામેટાના જથ્થાબંધ ભાવ 30-35 રૂપિયા પ્રતિ કિલોથી વધીને 65-70 રૂપિયા પ્રતિ કિલો થઈ ગયા છે.


https://t.me/abpasmitaofficial