કેલિફોર્નિયાઃ કોરોના વાયરસ મહારમારી વચ્ચે હવે વિશ્વભરમાં સ્થિતિ ધીમે ધીમે સામાન્ય થતી જોવા મળી રહી છે. એક રિપોર્ટ પ્રમાણે, ફેસબુક 6 જુલાઈથી સુરક્ષાના કડક નિયમો સાથે ઓફિસ ખોલવાનું શરૂ કરી દેશે. ઓફિસની બિલ્ડિંગમાં માત્ર 25 ટકા સ્ટાફ જ હાજર રહેશે. તમામ સ્ટાફ માટે માસ્ક પહેરવું ફરજિયાત હશે અને ઓફિસની અંદર પ્રવેશતા પહેલા ટેમ્પરેચર તપાસવામાં આવશે.


રિપોર્ટ પ્રમાણે, 6 જુલાઈથી અમેરિકા અને યૂરોપમાં આવેલી ફેસબુકની ઓફિસો ખોલવામાં આવશે. એશિયન દેશોમાં ફેસબુક ઓફિસ પહેલા પણ ખુલી શકે છે. આ એશિયન દેશોમાં કોરોના વાયરસની સ્થિતિ અને ત્યાંની સરકારી ગાઈડલાઇન પર નિર્ભર કરે છે.

હાર્ડવેર, સોશિલ નેટવર્ક મેનેજમેન્ટ સંબંધિત કર્મચારીઓ ઉપરાંત જે લોકો પર ઓન સાઇટ જવાબદારી છે તેવા કર્મચારીએ ઓફિસ આવવું પડશે. જેમાં શટલ બસ ઓપરેટર, કેફેટેરિયા કર્મચારી, ડાઇનિંગ સ્ટાફ અને સુરક્ષા કર્મચારી સહિત અન્ય સભ્ય સામેલ છે. આ લોકો ઓફિસની બિલ્ડિંગમાં દૈનિક કાર્યોની જવાબદારી સંભાળે છે. મહામારી દરમિયાન લોકડાઉનમાં ફેસબુક આ કર્મચારીઓને પગાર પણ આપી રહી છે.

ફેસબુકના સીઈઓ માર્ક ઝકરબર્ગે ગત સપ્તાહે વર્ક ફ્રોમ હોમની નીતિનું સમર્થન કરતાં મોટી જાહેરાત કરી હતી. તેમણે કહ્યું કે, અમારા 50 ટકા કર્મચારી આગામી 5 થી 10 વર્ષ માટે ઘરેથી કામ કરી શકશે.