નવી દિલ્હીઃ ફેસબુકના નફામાં વિતેલા વર્ષની તુલનામાં આ વખતે ભારે ઘટાડો જોવા મળ્યો છે. ફેસબુકે જાન્યુઆરી માર્ચ ક્વાર્ટરમાં 2.4 અબજ ડોલર (16,766 કરોડ રૂપિયા)નો નફો કર્યો છે. જે વિતેલા વર્ષના સમાન ગાળાની તુલનામાં 51 ટકા ઓછો છે. કાયદાકીય ખર્ચમાં વધારો થવાને કારણે નફામાં ઘટાડો થયો છે. અહેવાલ અનુસાર કંપનીએ ડેટા પ્રાઈવેસી સાથે જોડાયેલ કેસમાં કાયદા કીય ખર્ચ માટે 3 અબજ ડોલર (20,958 કરોડ રૂપિયા) અલગથી ફાળવ્યા છે.

ફેસબુકના જણાવ્યા પ્રમાણે ડેટા પ્રાઈવસીના મામલામાં ફેડરલ ટ્રેડ કમીશન 3થી 5 અબજ ડોલરનો દંડ લગાવી શકે છે. જોકે આ માહિતીની રોકાણકારો પર કોઈ અસર થઈ નથી. બુધવારે આફ્ટર અવર્સમાં ફેસબુકનો શેર 10% વધ્યો હતો.



જાન્યુઆરી માર્ચ ક્વાર્ટરમાં કંપનીની આવક 26 ટકા વધીને 15 અબજ ડોલરે (1.04 લાખ કરોડ રૂપિયાએ) પહોંચી ગઈ. પ્રતિ યુઝર સરેરાશ આવક 16 ટકા વધીને 6.42 ડોલર રહી છે. ગત વર્ષે સમાન ગાળામાં કંપનીની પ્રતિ યૂઝર આવક 5.53 ડોલર હતી. ડેઈલી એક્ટિવ યુઝર્સની સંખ્યા 8 ટકા વધી 156 કરોડ થઈ છે. મંથલી એક્ટિવ યુઝર્સ પણ 8 ટકા વધી 238 કરોડ થયા છે.