નવી દિલ્હીઃ છેલ્લા અનેક દાયકાઓથી ચલણમાં રહેલી ૧૦૦,૧૦ અને પાંચ રૂપિયાની જૂની કરન્સી નોટો ચલણમાંથી પાછી ખેંચાય તેવા અહેવાલ હાલ વિવિધ માધ્યમમાં આવ્યા છે. રિઝર્વ બેન્કના એક ઉચ્ચ અધિકારીએ જિલ્લા બેન્કના કાર્યક્રમમાં આ માહિતી જણાવ્યું  હતું કે ૧૦૦,૧૦ અને પાંચની જૂની નોટો માર્ચ કે એપ્રિલ સુધીમાં ચલણમાંથી પાછી ખેંચાવાની શકયતા છે. જેને લઈ રિઝર્વ બેંકે સ્પષ્ટતા કરી છે કે હજી સુધી આવો કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. આ અંગે પીઆઈબી ફેક્ટ ચેક દ્વારા ટ્વીટ કરીને માહિતી આપવામાં આવી છે.

પીઆઈબી ફેક્ટ ચેકે ટ્વીટ કરીને લખ્યું, એક ખબરમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે આરબીઆઈ દ્વારા આપવામાં આવેલી જાણકારી મુજબ માર્ચ 2021 બાદ 5, 10 અને 100 રૂપિયાની જૂની નોટ નહીં ચાલે. #PIBFactCheck: આ દાવો બોગસ છે. આરબીઆઈએ આવી કોઈ જાહેરાત કરી નથી. હાલમાં આ નોટોને ચલણમાંથી બહાર કાઢવાની કોઈ યોજના નથી. આનો અર્થ એ કે માર્ચ અને એપ્રિલ પછી પણ 5, 10 અને 100 રૂપિયાની જૂની નોટો બજારમાં ચાલુ રહેશે.



નોંધનીય છે કે, પીઆઈબી ફેક્ટ ચેક કેન્દ્ર સરકારની પોલિસી- સ્કીમ, વિભાગો, મંત્રાલયોને લઈને ફેલાતી ખોટી સૂચનાઓને રોકવા માટેનું કામ કરે છે. સરકારથી જોડાયેલી કોઈ પણ ખબર સાચી છે કે ખોટી તે જાણવા માટે પીઆઈબી ફેક્ટ ચેકની મદદ લઈ શકાય છે. પીઆઈબી ફેક્ટ ચેકને કોઈ પણ શંકાસ્પદ સમાચારનો સ્ક્રિનશોટ, ટ્વિટ, ફેસબુક પોસ્ટ અથવા યુઆરએલ વોટ્સએપ નંબર 918799711259 પર મોકલી શકો છો અથવા pibfactcheck@gmail.com પર મેઈલ કરી શકો છો.