નવી દિલ્હીઃ ભારતીય અર્થવ્યવસ્થાની મંદી દૂર કરવાના પ્રયાસોના ભાગરૂપે નાણામંત્રી નિર્મલા સીતારમણે આજે પ્રેસ કોન્ફરન્સ કરીને અનેક મોટી જાહેરાતો કરી હતી. નિર્મલા સીતારમણે કહ્યુ કે, બેન્કિંગ સિસ્ટમમા સુધારો થઇ રહ્યો છે. તેમણે કહ્યુ કે, પંજાબ નેશનલ બેન્કમાં ઓરિએન્ટલ બેન્ક ઓફ કોમર્સ અને યુનાઇટેડ બેન્ક ઓફ કોમર્સનું વિલય થશે. આ મર્જર બાદ પીએનબી દેશની બીજી સૌથી મોટી સરકારી બેન્ક બની જશે. તે સિવાય નિર્મલા સીતારમણે કેનરા બેન્ક અને સિંડિકેટ બેન્કના વિલયની પણ જાહેરાત કરી હતી. સાથે નિર્મલા સીતારમણે કહ્યું કે, યુનિયન બેન્ક ઓફ ઇન્ડિયા, આંધ્રા બેન્ક અને કોર્પોરેશન બેન્કનું વિલય કરવામાં આવશે. તે સિવાય ઇન્ડિયન બેન્કમાં ઇલાહાબાદ બેન્કની મર્જર કરવામાં આવશે.

નાણામંત્રીએ કહ્યું કે, કેન્દ્ર સરકાર ભારતને પાંચ લાખ કરોડ ડોલરની અર્થવ્યવસ્થા બનાવવા માટે પ્રતિબદ્ધ છે અને આ માટે રોડમેપ તૈયાર છે. રેકોર્ડ લોન રિકવરી થઇ છે. 18 સરકારી બેન્કોમાંથી 14 બેન્ક નફામાં આવી ગઇ છે.


નાણામંત્રીએ કહ્યું કે, ચાર મોટી એનબીએફસી (નોન બેન્કિંગ ફાઇનાન્સિયલ કંપની)ને બેન્કોએ મદદ કરી છે. તેમને ગેરન્ટી પ્લાન હેઠળ 3300 કરોડ રૂપિયા મળ્યા છે. દેશની અર્થવ્યવસ્થાની ઝડપ વધારવા માટે સરકાર સતત પગલા ઉઠાવી રહી છે. તેમનું કહેવું છે કે સરકારી બેન્કોમાં મોટા સુધારાની જરૂર છે. આઠ મોટી બેન્કોએ પોતાના વ્યાજ દરોને રેપો રેટ  સાથે જોડ્યા છે.


નોંધનીય છે કે આ અગાઉ નાણામંત્રી નિર્મલા સીતારમણે 23 ઓગસ્ટના રોજ ઇન્ડસ્ટ્રિ માટે રાહત પેકેજની જાહેરાત કરી હતી. સાથે આરબીઆઇ તરફથી મળેલું સરપ્લસ ફંડનો એક હિસ્સો અર્થવ્યવસ્થાને પાટા પર લાવવા માટે ખર્ચ કરવામાં આવશે. એ સમયે નિર્મલા સીતારમણે કહ્યુ હતું કે, બેન્કોમાં ટૂંક સમયમાં 70 હજાર કરોડ રૂપિયાનું ફંડ નાખવામાં આવશે.