મુંબઈ: ફોર્બ્સ ઈન્ડિયા મેગેઝીને ભારતના ટૉપ 100 સૌથી અમીર લોકોની યાદી જાહેર કરી દીધી છે. જેમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડના ચેરમેન મુકેશ અંબાણી સૌથી અમીર ભારતીયોની યાદીમાં ફરીથી પ્રથમ નંબર પર રહ્યાં છે. આ લિસ્ટમાં 51.4 અબજ ડોલરની સંપતિ(નેટવર્થ)ની સાથે મુકેશ અંબાણીએ ફરી પ્રથમ સ્થાન મેળવ્યું છે. તેઓ સતત 12મી વખતે દેશના સૌથી ધનાઢ્ય વ્યક્તિ બન્યા છે.
ઈન્ફ્રાસ્ટ્રકચર ટાઈકૂન ગૌતમ અદાણીએ મોટી છંલાગ લગાવતા 8 ક્રમનો જમ્પ મારીને બીજા સૌથી અમીર ભારતીય બન્યા છે. ગૌતમ અદાણીની કુલ સંપતિ 15.7 અબજ ડોલર છે. અશોક લેલેન્ડના પ્રમોટર હિંદુજા બ્રધર્સ કુલ 15.6 અબજ ડોલરની નેટવર્થની સાથે ત્રીજા નંબરે છે. શાપૂરજી પાલોનજી ગ્રુપના પાલોનજી મિસ્ત્રી 15 અબજ ડોલરની નેટવર્થની સાથે ચોથા નંબરે છે. આ સિવાય ઉદય કોટકે પ્રથમવાર ટોપ 5માં સ્થાન મેળવ્યું છે અને તે 14.8 અબજ ડોલરની નેટવર્થની સાથે પાંચમાં સૌથી અમીર વ્યક્તી બન્યા છે. એચસીએલના શિવ નડાર આ લિસ્ટમાં છઠ્ઠા સ્થાને છે.


ગત વર્ષે આ યાદીમાં ત્રીજા નંબરે રહેનારા લક્ષ્મી મિત્તલ 6 નંબરથી સીધા નવમાં નંબર પર આવી ગયા છે. ફોર્બ્સ ઇન્ડિયા અનુસાર સ્ટીલની માંગ અને તેની કિંમતોમાં ઘટાડાના કારણે આમ થયું છે. જ્યારે ટૉપ ટેનમાં આ વખતે અઝીમ પ્રેમજી પણ નથી. અઝીમ પ્રેમજી 17માં સ્થાને પહોંચ્યા છે. જેનું કારણ એ છે કે તેમણે માર્ચમાં પોતાની સંપતિનો મોટો હિસ્સો દાન કરી દીધો હતો. આ કારણે તે આ વર્ષના લિસ્ટમાં 17માં ક્રમાંકે છે. તે ગત વર્ષેના લિસ્ટમાં બીજો ક્રમાંકે હતા.

આ વખતે અમીરોના લિસ્ટમાં છ નવા અબજપતિઓને જગ્યા મળી છે. તેમાં 1.91 અબજ ડોલરની સંપતિ વાળા બિજૂ રવીંન્દ્રન, 1.7 અબજ ડોલરની સંપતિની સાથે હલ્દીરામ ગ્રુપના મનોહર લાલ અને મધુસુદન અગ્રવાલ અને 1.5 અબજ ડોલરની સાથે જકુઆર સમુહના રાજેશ મેહરા સામેલ છે.