GST On Hotel Room: જો તમે 18 જુલાઈ, 2022 પછી રજાઓ ગાળવા જવાનું વિચારી રહ્યા છો અને રહેવા માટે હોટેલ બુક કરી રહ્યા છો, તો તમારે તમારા ખિસ્સા વધુ ઢીલા કરવા પડશે. 18 જુલાઈથી જે બજેટ હોટલનું ભાડું 1,000 રૂપિયાથી ઓછું છે તેમણે પણ GST ચૂકવવો પડશે. જૂનના છેલ્લા સપ્તાહમાં GST કાઉન્સિલની બેઠક બાદ કહેવામાં આવ્યું હતું કે જે હોટલનું ભાડું 1000 રૂપિયા પ્રતિ દિવસથી ઓછું છે તેમણે 12 ટકા GST ચૂકવવો પડશે. અત્યાર સુધી, 1,000 રૂપિયાથી ઓછા ભાડાવાળી બજેટ હોટલને GSTમાંથી મુક્તિ આપવામાં આવી હતી.
1,000 રૂપિયાથી ઓછી કિંમતના હોટેલ રૂમ પર GST
GST કાઉન્સિલે રૂ. 1,000 પ્રતિ દિવસ કરતાં ઓછી કિંમતના હોટેલ રૂમ પર 12 ટકા GST વસૂલવાનું નક્કી કર્યું છે. GST કાઉન્સિલ દ્વારા 29 જૂન, 2022ના રોજ જારી કરવામાં આવેલી પ્રેસ રિલીઝ અનુસાર, "દિવસના રૂ. 1000ની કિંમતની હોટલ આવાસ પર 12% ટેક્સ લાગશે." પરંતુ નોટિફિકેશન હજુ બહાર પાડવાનું બાકી છે, જે ગમે ત્યારે જારી કરવામાં આવશે તેવું માનવામાં આવે છે. GST કાઉન્સિલના આ નિર્ણય પછી, કોઈપણ હોટેલ રૂમ કે જેનું ભાડું 7500 રૂપિયાથી ઓછું છે તેને 12 ટકા GST ચૂકવવો પડશે. બીજી તરફ, જે હોટલનું રૂમનું ભાડું 7500 રૂપિયા પ્રતિ દિવસથી વધુ છે તેમને 18 ટકા GST ચૂકવવો પડશે.
હોટેલ ઉદ્યોગને અસર થઈ શકે છે
કોરોના રોગચાળાને કારણે પ્રવાસન ક્ષેત્ર સૌથી વધુ પ્રભાવિત થયું હતું. ખાસ કરીને હોટલો જેને બે વર્ષથી ભારે આર્થિક સંકટનો સામનો કરવો પડ્યો હતો. હવે GST કાઉન્સિલે 1,000 રૂપિયાથી ઓછા ભાડાવાળા રૂમ પર GST વસૂલવાનો નિર્ણય કર્યો છે. સ્વાભાવિક છે કે, હોટલમાં રોકાતા લોકોએ 18 જુલાઈથી વધુ કિંમત ચૂકવવી પડશે. પરંતુ હોટેલ ઈન્ડસ્ટ્રીનું માનવું છે કે આ નિર્ણયની અસર તેમના બિઝનેસ પર પડી શકે છે.