FSSAI: ભારતની મસાલા કંપનીઓ છેલ્લા કેટલાક સમયથી આખી દુનિયામાં સંકટનો સામનો કરી રહી છે. એક પછી એક બધી મસાલા કંપનીઓના પ્રોડક્ટ્સને કડક તપાસમાંથી પસાર થવું પડી રહ્યું છે. આ મામલો હોંગકોંગથી શરૂ થયો હતો. હવે દુનિયાના ઘણા દેશોમાં ભારતીય મસાલા કંપનીઓ વિરુદ્ધ તપાસ ચાલી રહી છે. હવે એક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે ભારતીય મસાલાના લગભગ 12 ટકા સેમ્પલ FSSAIની તપાસમાં નિષ્ફળ ગયા છે. આ ક્વોલિટી અને સેફ્ટી સ્ટાન્ડર્ડ્સ પર ખરા ઉતર્યા નથી.
હોંગકોંગમાં પ્રતિબંધ લગાવ્યા પછી FSSAI એ શરૂ કરી હતી તપાસ
ભારતીય મસાલા ઉદ્યોગ (Indian Spice Industry) માટે આ મોટી સમસ્યા બનતી જઈ રહી છે. બ્રિટન પછી હવે ન્યુઝીલેન્ડ, અમેરિકા અને ઓસ્ટ્રેલિયામાં પણ ભારતના મોટા મસાલા બ્રાન્ડ કડક તપાસમાંથી પસાર થઈ રહ્યા છે. રોયટર્સના એક અહેવાલ અનુસાર, બ્રિટનમાં ભારતીય મસાલાના આયાત પર કડક નજર રાખવામાં આવી રહી છે. હોંગકોંગમાં ભારતના બે દિગ્ગજ મસાલા બ્રાન્ડ વિરુદ્ધ લાગેલા પ્રતિબંધ પછી ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા (FSSAI) એ પણ ભારતીય મસાલા વિરુદ્ધ તપાસ શરૂ કરી હતી. આ બંને કંપનીઓએ ખાતરી આપી હતી કે તેમના મસાલા સંપૂર્ણપણે સુરક્ષિત છે. આ બંને કંપનીઓના મસાલા ભારત ઉપરાંત યુરોપ, અમેરિકા અને ઉત્તર અમેરિકામાં મોટા પાયે વપરાય છે.
4,054 સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા, 474 નિષ્ફળ ગયા
RTI (આરટીઆઈ)થી મળેલી માહિતીના આધારે આ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે મે થી જુલાઈ વચ્ચે 4,054 સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા હતા. આમાંથી 474 ક્વોલિટી અને સેફ્ટી સ્ટાન્ડર્ડ પાસ કરી શક્યા નથી. જોકે, FSSAI એ એ જણાવવાનો ઇનકાર કર્યો છે કે ટેસ્ટમાં નિષ્ફળ જનારા પ્રોડક્ટ કઈ કંપનીઓના હતા. પરંતુ, તેમણે ખાતરી આપી છે કે આ કંપનીઓ વિરુદ્ધ જલદીથી જલદી કાર્યવાહી કરવામાં આવશે.
કંપનીઓ વિશે FSSAI એ માહિતી આપી નથી
રોયટર્સે FSSAI પાસેથી કંપનીઓની માહિતી પણ માંગી હતી. પરંતુ, એજન્સીએ કહ્યું કે આવી માહિતી તેમની પાસે નથી. ભારતીય કાયદાઓના આધારે આ બધા પર એક્શન લેવામાં આવશે. ભારતનો મસાલા ઉદ્યોગ વર્ષ 2022 સુધીમાં લગભગ 10.44 અબજ ડોલરનો હતો. સાથે જ ભારતમાંથી લગભગ 4.46 ડોલરના મસાલાની નિકાસ પણ કરવામાં આવી રહી હતી.