નવી દિલ્હીઃ મોદી સરકારના શપથ લીધાના બીજા દિવસે અર્થવ્યવસ્થાને લઇને ખરાબ સમાચાર આવ્યા છે. નાણાકીય વર્ષ 2018-19ના ચોથા ત્રિમાસિક ગાળામાં દેશનો આર્થિક વિકાસ દર ઘટીને 6 ટકાની નીચે જતો રહ્યો છે. આંકડાઓ અનુસાર, જાન્યુઆરી-માર્ચ ત્રિમાસિક ગાળામાં દેશનો જીડીપી દર ફક્ત 5.8 ટકાના દરથી વધ્યો છે. મોદી સરકારના શપથ લીધાના એક દિવસ બાદ શ્રમ મંત્રાલયે બેરોજગારીના આંકડાઓ જાહેર કર્યા છે. સરકારે કહ્યું કે, 2017-18માં બેરોજગારીનો દર 6.1 ટકા રહ્યો જે 45 વર્ષમાં સૌથી વધુ છે.


ચોથા ત્રિમાસિક ગાળામાં કમજોર આંકડાની અસર આખા નાણાકીય વર્ષના જીડીપી ગ્રોથ રેટ પર પડી જે સાત ટકાથી નીચે 6.8 ટકા આવી ગઇ છે. નોંધનીય છે કે નાણાકીય વર્ષ 2017-18ની જાન્યુઆરી-માર્ચમાં જીડીપીનો દર 8.1 ટકા રહ્યો હતો જ્યારે આખા નાણાકીય વર્ષમાં દેશનો આર્થિક વિકાસ 7.2 ટકા રહ્યો હતો. એટલે કે જાન્યુઆરી-માર્ચ ત્રિમાસિક ગાળામાં નાણાકીય વર્ષ 2017-18ની સરખામણીએ નાણાકીય વર્ષ 2018-19માં 2.3 ટકાનો ઘટાડો નોંધવામાં આવ્યો. એટલે કે 2017-18ના આખા નાણાકીય વર્ષના જીડીપી ગ્રોથ રેટની સરખામણીએ નાણાકીય વર્ષ 2018-18માં આ આંકડામાં 0.4 ટકાનો ઘટાડો આવ્યો.