વિતેલા સપ્તાહના અંતે વૈશ્વિક બજારમાં સોનાની કિંમત ત્રણ મહિનાની ઉચ્ચ સપાટીએ પહોંચી ગઈ હતી. સોમવારે પણ આ કિંમતમાં કોઈ વધારે ફેરફાર જોવા મળ્યો નથી. અમેરિકામાં રોજગારના નબળા આંકડાને કારણે સોનાની કિંમતમાં ચકમ જોવા મળી રહી છે. રોજગારના નબળા આંકડાને કારણે વ્યાજ દર નીચા રહેવાની સંભાવના છે. તેનાથી સોનામાં રોકાણને પ્રોત્સાહન મળી શકે છે.
ભારમતાં ઘટી ફિઝિકલ ગોલ્ડની માગ
બીજી બાજુ ભારતમાં વિતેલા સપ્તાહે ફિઝિકલ સોનાની માગમાં ઘટાડો નોંધાયો છે. લોકડાઉનને કારણે દુકાનો બંધ રહી. આ જ કારણે જ્વેલરીનું વેચાણ પણ ઘટ્યું છે. સોમવારે એમસીએક્સમાં સોનાની કિંમત 0.09 ટકા વધીને 47794 રૂપિયા પ્રતિ દસ ગ્રામ પર પહોંચી ગઈ જ્યારે ચાંદીની કિંમત 0.8 ટકા વધીને 71997 રૂપિયા પ્રતિ કિલોએ પહોંચી ગઈ.
હાજર બજારમાં સોનાના ભાવમાં સતત ઉછાળો
શુક્રવારે હાજર બજારમાં સોનાનો ભાવ 47484 રૂપિયા પ્રતિ દસ ગ્રામ પર પહોંચી ગયો હતો. જ્યારે સિલ્વર 70835 રૂપિયા પ્રતિ કિલો પર ટ્રેડ થઈ રહી હતી. અમદાવાદમાં હાજરમાં સોનું 47569 રૂપિયા પ્રતિ દસ ગ્રામ પર વેચાયું. જ્યારે ગોલ્ડ ફ્યૂચર 47945 રૂપિયા પર વેચાયું. એમસીએક્સમાં સોનું 47400 રૂપિયા પર સપોર્ટ ઝછે જ્યારે 48200 રૂપિયા પ્રતિકારક સપાટી છે. જ્યારે કોમેક્સમાં સોનામાં 1800 ડોલર પ્રતિ ઔંસ આસપાસ સપોર્ટ અને 1850 ડોલર પ્રતિ ઔંસ પર પ્રતિકારક સપાટી છે. એક સમયે સોનું 1720 ડોલર પ્રતિ ઔંસની નીચે આવી ગયું હતું. ભારતમાં હાલમાં ગોલ્ડ ઈટીએફમાં તેજી જોવા મળી રહી છે. રોકાણકારોના વધતા રોકાણને લીધે ગોલ્ડ ઈટીએફમાં મજબૂતી આવી છે.
દેશમાં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે. જેના કારણે લોકોમાં કોરોનાનો ફરીથી ડર જોવા મળી રહ્યો છે. ઉપરાંત દેશમાં મોંઘવારી પણ વધવા લાગી છે. તેનાથી આવનારા દિવસોમાં સોનાની કિંમતમાં વધારો આવશે. જો આવું જ રહ્યું તો આવનારા 5થી 6 મહિનામાં એટલે કે દિવાળી સુધામાં સોનું 60 હજાર રૂપિયા સુધી જવાનું નિષ્ણાંતો કહી રહ્યા છે.