અમેરિકામાં વધતી રાજનીતિક અનિશ્ચિતતાને કારણે વૈશ્વિક બજારમાં સોના અને ચાંદીની કિંમતમાં વધારો જોવા મળ્યો છે. ઘરઆંગણે પણ તેની અસર જોવા મળી રહી છે અને ભાવમાં ઉછાળો જોવા મળ્યો છે. વૈશ્વિક બજારમાં રોકાણકારો મોંઘવારીની સામે રક્ષણ તરીકે પણ સોનામાં રોકાણ વધારવા લાગ્યા છે. આ જ કારણે સોના અને ચાંદીની કિંમતમાં ઉછાળો આવ્યો છે.

એમસીએક્સમાં સોના અને ચાંદીની કિંમતમાં ઉછાળો

ગુરુવારે એમસીએક્સમાં ગોલ્ડ અને સિલ્વરની કિંમતમાં ઉછાળો આવ્યો છે. એમસીએક્સમાં ગોલ્ડ 0.54 ટકા વધીને 50,781 રૂપિયા પ્રતિ દસ ગ્રામ રહી છે. જ્યારે ચાંદી 0.23 ટકા ઉછળીને 69580 રૂપિયા પ્રતિ કિલો પર ટ્રેડ થઈ હી છે. આ પહેલાના દિવસે સોનું 1230 રૂપિયા ઘટ્યું હતું. જ્યારે ચાંદીમાં1600 રૂપિયાનો ઘટાડો આવ્યો હતો. દિલ્હી માર્કેટમાં સોનામાં થોડો ઉછાળો જોવા મળ્યો હતો અને તે 51360 રૂપિયા પ્રતિ દસ ગ્રામ પર પહોંચ્યું હતું. ચાંદીની કિંમત 382 રૂપિયાની તેજી સાથે 69693 રૂપિયા પ્રતિ કિલોગ્રામ રહી હતી.

વૈશ્વિક બજારમાં તેજી

વૈશ્વિક બજારમાં પણ સોનાની કિંમતમાં વિતેલા દિવસોની તુલનામાં ઉછાળો જોવા મળ્યો છે. હાજર સોનાની કિંમતમાં 0.2 ટકાની તેજી જોવા મળી અને તે 1922.81 ડોલર પ્રતિ ઔંસ પર પહોંચ્યું છે. આ પહેલાના દિવસે સોનું 2.5 ટકાનો ઘટાડો નોંધાયો હતો. બીજી બાજુ વિશ્વના સૌથી મોટા ગોલ્ડ ઈટીએફનું હોલ્ડિંગ 1.5 ટકા વધીને 1187.95 ટન પર પહોંચી ગયું છે. જ્યારે ચાંદીની કિંમત 0.3 ટકા ઘઠીને 27.12 ડોલર પ્રતિ ઔંસ પર પહોંચી છે.