નવી દિલ્હીઃ સોનું હંમેશા રોકાણનો એક શ્રેષ્ઠ વિકલ્પ રહ્યો છે. લોકો સોનામાં લાંબા ગાળાના રોકાણને મહત્ત્વ આપે છે. જોકે હાલમાં સોનું તેની ઉચ્ચ સપાટીથી 12 હજાર રૂપિયા ઘટી ગયું છે. એવામાં રોકાણકારોના મનમાં એક સવાલ એ પણ છે કે શું સોનામાં હાલમાં રોકાણ કરવું યોગ્ય રહેશે કે સોનમાં હજુ પણ ઘટાડો જોવા મળી શકે છે.
સોનાની કિંમતમાં થોડા દિવસથી ઉતાર ચડાવની સ્થિતિ જોવા મળી રહી છે. સોનાનો ભાવ છેલ્લા કેટલાક દિવસથી 44 હજાર રૂપિયા પ્રતિ દસ ગ્રામ આસપાસ ચાલી રહ્યો છે. જ્યારે સોનું વર્ષ 2020ના ઓગસ્ટ મહિનામાં પ્રતિ 10 ગ્રામ 56 હજાર રૂપિયાની સપાટીએ પહોંચી ગયું હતું. પરંતુ હવે સોનું એ ઉચ્ચ સપાટીથી 12 હજાર રૂપિયા ગબડીને 44 હજાર રૂપિયા પ્રતિ 10 ગ્રામની સપાટી પર આવી ગયું છે.
જ્યારે કેટલાક લોકો રોકાણ કરવા માટે સોનાના હાલના ભાવને શ્રેષ્ઠ ગણાવે છે અને આશા રાખીને બેઠા છે કે આવનારા દિવસોમાં અહીંથી ભાવમાં ઉછાળો આવશે. નિષ્ણાંતોનું કહેવું છે કે સોનાની કિંમતમાં ઘટાડો આવે ત્યારે તેમાં રોકાણ કરવું શ્રેષ્ઠ છે અને થોડું થોડું કરીને સોનામાં રોકાણને સારા વિકલ્પ તરીકે જોવામાં આવી રહ્યું છે.
આગળ સોનાની કેવી ચાલ રહેશે ?
એસએમસી રિસર્ચે પોતાના ક્લાઈન્ટ્સને એક નોટમાં કહ્યું છે કે, સોનાની કિંમતમાં ઘટાડો આવ્યો છે કારણ કે ડોલરની કિંમતમાં ઉછાળો આવ્યો છે. એસએમસી રિસર્ચ અનુસાર કિંમત મિશ્રિત અમેરિકન આર્થિક ડેટા, અમેરિકન પ્રોત્સાહનની આશા, વિશાલ અમેરિકન રાજકોષીય દેવુનું પૂર્વાનુમાન અને યૂએસ ચીન સંબંધ પર ધ્યાન કેન્દ્રિત છે.
રિસર્ચ નોટમાં કહેવામાં આવ્યું છે કે, આ સપ્તાહમાં સોનામાં ભારે વોલેટિલિટી જોવા મળી શકે છે, જોકે તેમાં મંદી જોવા મળશે. જોકે આવનારા દિવસોમાં તે 45600 અને 49750 રૂપિયાની સપાટી પર જઈ શકે છે. જ્યારે ચાંદી 65200-71800 રૂપિયાની સપાટી પર કારોબાર કરી શકે છે.