India Gold Import: ભારતમાં લોકોનો સોના પ્રત્યેનો પ્રેમ જાણીતો છે અને સરકાર પણ સોનાની આયાતના આંકડાઓ પર નજર રાખે છે. દેશમાં સોનાનો વપરાશ ઘણો વધારે છે અને આ જ કારણસર અહીં સોનાની આયાત પણ ઘણી વધારે છે. હવે સરકારે આ સોનાની આયાત પર અમુક અંશે અંકુશ લગાવવાનો નિર્ણય લીધો છે.
ભારત સરકારે જાહેરાત કરી
ભારત સરકારે બુધવારે કેટલાક સોનાના ઘરેણા અને અન્ય વસ્તુઓની આયાત પર નિયંત્રણો લાદવાની જાહેરાત કરી છે. આ પગલું કેટલીક બિન-આવશ્યક વસ્તુઓની આયાત પર પ્રતિબંધ મૂકવામાં મદદ કરશે. હવે આયાતકારોએ આ સોનાના ઉત્પાદનોની આયાત કરવા માટે સરકાર પાસેથી લાયસન્સ મંજૂરી લેવી પડશે.
વેપાર નીતિમાં રહેલી છટકબારીઓ દૂર કરવાનો પ્રયાસ
રોઇટર્સના સમાચાર મુજબ, ભારત વિશ્વમાં કિંમતી ધાતુઓનો બીજો સૌથી મોટો ઉપભોક્તા છે અને દેશે તેની વેપાર નીતિમાં કેટલીક ખામીઓને દૂર કરવા માટે આ નિયમો લાવ્યા છે. વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયે હાલમાં આ અંગે કોઈ માહિતી આપી નથી. જો કે, ડીજીએફટીએ એક સૂચનામાં જણાવ્યું હતું કે આ ઉત્પાદનોની આયાત નીતિને 'ફ્રી ટ્રેડ'થી 'પ્રતિબંધિત' શ્રેણીમાં તાત્કાલિક અસરથી સુધારી દેવામાં આવી છે.
ઇન્ડોનેશિયાથી ડ્યુટી ભર્યા વગર સોનાના દાગીના આવી રહ્યા હતા
આ પગલું ભરવા પાછળનું કારણ એ છે કે ઈન્ડોનેશિયાથી સાદા સોનાના દાગીના લાવવાની પ્રક્રિયા છેલ્લા કેટલાક સમયથી ચાલી રહી હતી અને તેના માટે કોઈ ઈમ્પોર્ટ ટેક્સ ચૂકવવામાં આવતો ન હતો. મુંબઈના એક વેપારીનું કહેવું છે કે ઈન્ડોનેશિયા ક્યારેય ભારત માટે સોનાના દાગીનાનું આયાતકાર રહ્યું નથી, પરંતુ છેલ્લા કેટલાક મહિનાઓથી આયાતકારોએ ઈન્ડોનેશિયાથી 3-4 ટન સોનાની આયાત કરી છે અને તેના પર કોઈ ટેક્સ ચૂકવ્યો નથી.
સોનાની આયાત ઘટી રહી છે
ચાલુ નાણાકીય વર્ષના એપ્રિલ-મેમાં મોતી અને કિંમતી રત્નોની આયાત 25.36 ટકા ઘટીને ચાર અબજ ડોલર થઈ છે. આ સમયગાળા દરમિયાન સોનાની આયાત પણ 40 ટકા ઘટીને 4.7 અબજ ડોલર થઈ ગઈ છે. ઉલ્લેખનીય છે કે ભારતમાં સોનાની આયાત પર 15 ટકા ટેક્સ વસૂલવામાં આવે છે.
આ નિયંત્રણો UAE-ભારત મુક્ત વેપાર કરાર પર લાગુ થશે નહીં
જો કે, ડાયરેક્ટોરેટ જનરલ ઓફ ફોરેન ટ્રેડ (DGFT) એ સ્પષ્ટતા કરી છે કે ભારત અને સંયુક્ત આરબ અમીરાત (UAE) વચ્ચે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ (FTA) હેઠળની આયાત પર આ પ્રતિબંધ લાગુ થશે નહીં.