નવી દિલ્હીઃ છેલ્લા બે મહિનામાં સોનામાં સારો એવો ઘટાડો જોવા મળ્યો છે અને માર્ચ મહિનામાં જ સોનું 1800 રૂપિયા ઘટીને 46000 રૂપિયાની સપાટીએ પહોંચી ગયું છે.  સોનાના પગલે ચાંદીમાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે અને ચાંદી 1000 રૂપિયા ઘટીને 67000 રૂપિયાની અંદર આવી ગઈ છે. વૈશ્વિક સ્તરે નકારાત્મક સંકેતો અને ડોલર સામે રૂપિયો સુધરતા બુલિયન માર્કેટમાં ઘટાડો જોવા મળી રહ્યો છે.


સૂત્રોના મતે, સોનાના ભાવમાં હજુ ઘટાડો આવશે અને ભાવ ઉતરીને 42 હજાર રૂપિયાની આસપાસ આવી જશે. આમ તો આગામી સમયમાં લગ્નની સીઝન છે પણ કોરાનાના કેસો વધતાં નિયંત્રણો મૂકાઈ રહ્યાં છે તેથી લગ્નની સીઝનમાં એવી જોરદાર ખરીદી નિકળવાની આશા નથી. આ કારણે હજુ પણ ભાવોમાં ઘટાડો થવાની શક્યતા છે. 


તાજેતરમાં રજૂ કરવામાં આવેલા બજેટ 2021માં સોના પર કસ્ટમ ડ્યૂટી ઘટાડવામાં આવી હતી. સોના પર કસ્ટમ ડ્યૂટી 12.50 ટકાથી ઘટાડીને 7.50 ટકા કરી નાખવામા આવતા તેની અસર હવે માર્કેટમાં વર્તાઈ રહી છે અને બજેટ રજૂ થયાના અત્યાર સુધીના સમયમાં ૧૦૦ ગ્રામ સોનાએ રૂ.૧૨ હજારનો ઘટાડો થતા લોકોમાં સ્ટોક માર્કેટ બાદ ફરીથી સોનામાં રોકાણ તરફ લોકો વળી રહ્યા છે.


ભાવ ઘટવાને કારણે સોનીબજારમાં ઘરેણાની સોનાની ખરીદી વધી છે. હાલ લગ્નની સીઝન ચાલુ હોવાથી સોનાની ખરીદીમાં પણ ઉછાળો જોવા મળી રહ્યો છે. અત્યારે જે લોકોને ત્યાં પ્રસંગ છે તેવા લોકો ઘરેણાની ખરીદી કરી રહ્યા છે જયારે લાંબાસમયના રોકાણ માટે લોકો ૨૪ કેરેટ સોનું ખરીદી રોકાણ કરી રહ્યા છે.